Western Times News

Gujarati News

ટામેટાંના એક કિલોના ભાવ ૧૪૦થી ૨૦૦ રૂપિયાના રેકોર્ડ સ્તરે

અમદાવાદ, ટામેટાંના ભાવમાં વધારો ફરી એકવાર રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. છૂટક બજારોમાં ૧૪૦થી ૨૦૦ રૂપિયા કિલોના ભાવે વેચાતા ટામેટાં નવરાત્રિના નહીં પરંતુ મોંઘવારીના ડાકલા વગાડી રહ્યા છે…! માત્ર ટામેટાં જ નહીં ગરીબોની કસ્તુરી એવી ડુંગળીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.

૮૦ રૂપિયે કિલોના ભાવે પહોંચેલી ડુંગળી ગૃહિણીઓને રાતા પાણીએ રડાવી રહી છે. એની સાથે સાથે બટાકા પણ પાછળ રહ્યા નથી અને ૫૦થી ૫૫ રૂપિયે કિલો વેચાતા બટાકાએ ગૃહિણીઓના બજેટ ખોરવી કાઢ્યા છે. દરેક રસોડાની શાન એવા ડુંગળી-બટાકા અને ટામેટાંમાં બેફામ ભાવવધારાથી મધ્યમવર્ગની કમર તૂટી ગઇ છે…!

નાસિકની આસપાસના મુખ્ય ખેતીવાળા વિસ્તારોમાં ટામેટાંના પાકને કમોસમી વરસાદ અને વાયરસના હુમલાને કારણે અચાનક ભાવ વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આના કારણે પુરવઠામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના પ્રતાપે એક સપ્તાહની અંદર જ ધરખમ ભાવવધારો થયો છે.

૨૦ કિલોના ટામેટાંના ક્રેટ હવે ફાર્મ માર્કેટમાં રૂ. ૧,૫૦૦થી રૂ. ૧,૬૦૦માં મળી રહ્યા છે. આ ઉછાળાથી શહેરોમાં ટામેટાંના છૂટક ભાવ રૂ.૧૪૦થી રૂ.૨૦૦ સુધીના થઇ ગયા છે. સ્થાનિક બજારોમાં નીચલા ગ્રેડના ટામેટાં રૂ. ૧૦૦થી રૂ. ૧૨૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

ટામેટાંના ખેડૂતોનું કહેવું છે કે, છેલ્લા પખવાડિયામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે અને માત્ર એક ચતુર્થાંશ ઉપજ બચી જવાથી, એક અઠવાડિયામાં ભાવ બમણાથી વધુ થઈ ગયા છે. ગયા સિઝનમાં નબળા વળતરને કારણે ખેડૂતોએ આ વર્ષે ટામેટાંની ખેતીમાં ઘટાડો કર્યાે હતો, જેના કારણે જ્યારે વરસાદ પડ્યો ત્યારે પુરવઠામાં વધુ તાણ આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.