તમામ શાકભાજીમાં સૌથી સસ્તા ટામેટાઃ માર્કેટયાર્ડમાં આવક વધી
રાજકોટ, શાકભાજીના ભાવ તળીયે ધસી ગયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ફરી ઉંચકાયા છે. પરંતુ એક માત્ર ટમેટાના ભાવ નીચા જ છે. રસપ્રદ બાબત એ છે કે અત્યારે તમામ શાકભાજીમાં સૌથી સસ્તા ભાવ ટમેટાના છે.
રાજકોટ યાર્ડના શાકભાજી વિભાગમાં હરરાજીમાં ટમેટાનો ભાવ 20 કિલોના 100 થી 220ના હતા. 1217 ક્વીંટલની આવક હતી. સામાન્ય રીતે રીંગણા, કોબીજ, મૂળા, દૂધી જેવા શાકભાજીના ભાવ સૌથી સસ્તા હોય છે. પૂરજોશમાં આવક વખતે પર્યાપ્ત વેચાણ ન થતા કે ભાવ ન મળવાના સંજોગોમાં ફેંકી દેવામાં આવતા હતા.
આ શાકભાજીના ભાવ અત્યારે ઉંચા છે અને ટમેટા કરતાં ડબલ કે તેથી વધુ છે. રીંગણામાં તો ધરખમ ભાવ છે. માર્કેટયાર્ડના સૂત્રોએ કહ્યું કે છેલ્લા દિવસોમાં અત્યાધિકતાપને કારણે વાવેતર બળી ગયા હોવાને કારણે એકાદ પખવાડિયાથી ભાવ ઉંચકાય છે. આવકોમાં મોટો કાપ છે. રીંગણાના ભાવ લીંબુ, કોથમરીની હરોળમાં છે.
બાકી કોબીજ 180 થી 270, ફ્લાવર 400 થી 800, દુધી 280 થી 520, કારેલા 300 થી 700માં માપસર છે. ગયા મહિનામાં પ્રારંભે તમામ શાકભાજી સસ્તા થઇ ગયા હતા
તેમાં છેલ્લા પખવાડિયાથી ભાવ વધારો છે અને એક માત્ર ટમેટા સસ્તા છે. લોકલ ઉપરાંત બહારના સેન્ટરોની ચિક્કાર આવકોને કારણે ભાવો નીચા જ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાંક મહિના પૂર્વે ટમેટાના ઉંચા ભાવથી દેશભરમાં ઉહાપોહ થયો હતો. રીટેઇલમાં કિલોના 300 થયા હતા.
જ્યારે હોલસેલમાં 2500 થી 3000 સુધી બોલાયા હતા. સરકારે સબસીડી જાહેર કરીને એજન્સી મારફત વેચાણ કરાવવું પડ્યું હતું. હવે તેમાં કોઇ હાથ પકડનાર નથી. કેટલાંક સેન્ટરોમાં તો માલ ફેંકી દેવાતો હોવાના પણ કિસ્સા છે.