ટામેટાં ફરી 80 રૂ. કિલોઃ વટાણાના ભાવ પણ 150 રૂ.
શિયાળાની શરૂઆતે જ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યાઃ ઉંચે ગયેલું શાકભાજીનું બજાર તળિયે આવે તેવી શક્યતા હાલમાં ઓછી છે.
(એજન્સી)અમદાવાદ, હાલમાં શિયાળાની ધીમી શરૂઆત થઈ ગઈ છે પરંતુ રસોડાની લાઈફ લાઈન ગણાતાં શાકભાજીના ભાવ હજી પણ આસમાને છે. એક મહિના પહેલાંની તુલનાએ ભાવમાં આંશિક ઘટાડો થયો છે. દિવાળી જેવા મોટા તહેવારોમાં પણ શાકભાજીના ભાવ ગૃહિણીના બજેટને બગાડી રહ્યાં છે. દિવાળી પછી પણ ઉંચે ગયેલું શાકભાજીનું બજાર તળિયે આવે તેવી શક્યતા હાલમાં ઓછી છે.
ગવારનો ભાવ હાલ કિલોના રૂા. ૧૦૦, રીંગણ રૂા. ૮૦, ભીંડા, ટામેટાં રૂા. ૭૦ થી ૮૦, કોબી, ફ્લાવર સહિતના ભાવ આસમાને પહોંચ્યા છે. લીલાં મરચાંના ભાવ રૂા. ૪૦થી ૮૦ બોલાઈ રહ્યાં છે. સામાન્ય કોથમીરના ભાવ પણ રૂા. ૩૦થી ૫૦ સુધી બોલાઈ રહ્યા છે. હાલ દાળ, શાકમાં અનિવાર્ય ગણાતાં ટામેટાંની સ્થાનિક આવક ઘટતાં નાશિક કે બેંગ્લુરુથી આવતાં ટામેટાં પ્રતિ કિલો રૂા. ૮૦ને આંબી ગયા છે.
કેટલાંક શાકભાજીના ભાવ સાંભળીને ગૃહિણીઓ તેને લેવાનું ટાળે છે. શિયાળો આવતાં જ લીલાં શાકભાજીની માગમાં વધારો જાેવા મળે છે. પરંતુ શાકભાજીનો ઉતાર જ એટલો ન થયો હોવાથી હાલ બજારમાં તેના ભાવ આસમાને ગયા છે. મોટા ભાગના શાકભાજીની કિંમત અત્યારે ૮૦થી રૂા. ૧૦૦ની વચ્ચે પ્રતિ કિલો છે. હજુ બે સપ્તાહ પહેલાં ટામેટાંના ભાવ રૂા. ૩૦થી ૪૦ ના પ્રતિ કિલો વેચાઈ રહ્યાં છે.
લીલાં શાકભાજીનું ચલણ વધ્યું છે સામાન્ય રીતે શિયાળાની શરૂઆત સાથે બજારમાં લીલાં શાકભાજીની પણ આવક શરૂ થવા પામી છે, પરંતુ ભાવ હજુ આસમાને હોવાથી તેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર જાેવા મળી રહી છે.
શાકભાજીના ભાવ એકંદરે વધારે હોવાથી ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. શિયાળાની ઋતુમાં ખાસકરીને ઉંધિયું પણ વધારે ખવાય છે, પરંતુ લીલાં શાકભાજીના ભાવ સાંભળીને ગૃહિણીઓ પોતાનું મન બદલાવી નાંખે તેવી સ્થિતિ જાેવા મળી રહી છે. શાકભાજી વેચતા વેપારીઓના કહેવા મુજબ જાે શાકભાજીની આવકમાં વધારો થશે તો ભાવ નિયંત્રણમાં આવશે, પરંતુ હજુ થોડા સમય સુધી ગૃહિણીઓને શાકભાજી માટેનું પોતાનું બજેટ સંભાળીને ચાલવું પડશે.