ટેક્સાસ, મિસિસિપીમાં ટોર્નેડો ત્રાટકતાં બેનાં મોત, ભારે વિનાશ
હ્યુસ્ટન, અમેરિકાના ટેક્સાસ અને મિસિસિપી રાજ્યોમાં શનિવારે અનેક ટોર્નેડો ત્રાટકતા ઓછામાં ઓછા બે લોકોના મોત થયાં હતાં અને ભારે વિનાશ વેરાયો હતો. આ ચક્રવાતથી છથી વધુ લોકો ઘાયલ પણ થયાં હતાં. અનેક ઘરોને નુકસાન થયું હતું અને વાહનો પલટી ગયા હતાં.
વાવાઝોડાને કારણે હ્યુસ્ટનના બે મુખ્ય એરપોર્ટ બુશ ઈન્ટરકોન્ટિનેન્ટલ અને હોબી પર શનિવારે બપોરે ફ્લાઇટો એક કલાકથી વધુ વિલંબિત થઈ હતી. મિસિસિપીમાં આશરે ૭૧,૦૦૦ યુટિલિટી ગ્રાહકોના ઘરોમાં વીજળી ગૂલ થઈ હતી અને આ સંખ્યામાં વધારો થવાની ધારણા છે.
બ્રેઝોરિયા કાઉન્ટી શેરિફ ઓફિસના પ્રવક્તા મેડિસન પોલ્સ્ટને જણાવ્યું હતું કે હ્યુસ્ટનની દક્ષિણ સ્થિત લિવરપૂલ વિસ્તારમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી. લિવરપૂલ અને હિલક્રેસ્ટ વિલેજ અને એલ્વિન વચ્ચે કાઉન્ટીમાં સંખ્યાબંધ ટોર્નેડો ત્રાટક્યા હતાં.
અત્યાર સુધી ૧૦ મકાનોને નુકસાનના અહેવાલ મળ્યા છે, પરંતુ સત્તાવાળા નુકસાનનો તાગ મેળવી રહ્યાં છે.મિસિસિપીમાં એડમ્સ કાઉન્ટીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ળેન્કલિન કાઉન્ટીમાં બે લોકો ઘાયલ થયાં હતાં. નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે બુડે અને બ્રાન્ડોન શહેરની આસપાસ બે ટોર્નેડો ત્રાટક્યા હતાં, જેમાં ઘણી ઇમારતોની છતો ઉડી ગઈ હતી.
આ કુદરતી તોફાનો કદાચ સાંજે સુધીમાં વધુ વિનાશ વેરી શકે છે. પૂર્વ તરફ આગળ વધતી વખતે રાત્રે તે વધુ ખરાબ સ્થિતિ ઊભી કરી શકે છે. હ્યુસ્ટન વિસ્તારમાં ઓછામાં ઓછા છ ટોર્નેડો ત્રાટક્યાં હતાં. હ્યુસ્ટનના કેટી અને પોર્ટર હાઇટ્સમાં મોબાઇલ ઘરોને નુકસાન થયું હતું અથવા નાશ પામ્યા હતાં. ફાયર સ્ટેશનના દરવાજા હવામાં ઉડી ગયા હતાં.SS1MS