અમરેલીના બસ સ્ટેશન નજીક રીક્ષાઓ સહીત ખાનગી વાહનોનો ત્રાસ
રાજમાર્ગો પર ટ્રાફીક સમસ્યા હળવી કરવા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીગનો ફકત તમાશો
અમરેલી, અમરેલી શહેરના રાજમાર્ગો ઉપર ટ્રાફીક સમસ્યા હળવી કરવા સીટી પોલીસ દ્વારા ફકત ફૂટ પેટ્રોલીગનો તમાશો કરવામાં આવે છે. પરંતુ ટ્રાફીકથી ધમધમતા નાગનાથ બસ સ્ટેશન પર ઓટો રીક્ષા અને ખાનગી વાહનચાલકો ખુલ્લેઆમ બેફામ બનેલા છે.
અમરેલી શહેરની બજારમાં તાજેતરમાંં શહેર પોલીસ દ્વારા ટ્રાફીક સમસ્યા હળવી કરવા પોલીસની ફોજ ઉતારવામાં આવેલ હતી પરંતુ ખરેખર જયાં ટ્રાફીક સમસ્યા વિકરાળ બનેલ છે. તેવાં વિસ્તારમાં પોલીસ મુકપ્રેક્ષક બની તમાશો નિહાળતી હોય તેવો ઘાટ ઘડાયો છે. જેમાં નાગનાથ બસ સ્ટેશન, ભીડભંજન મંદીર ચોક, બેક ઓફ બરોડા સામેનો રોડ સહીતનો ટ્રાફીકથી ધમધમતા વિસ્તારમાં ટ્રાફીક સમસ્યા વિકરાળ બની છે.
બેંક ઓફ બરોડાની આગળ ચાની દુકાન સામે મુખ્ય રોડ ઉપર વાહનચાલકો મન ફાવે તેમ પાર્કીગ કરી ચાની ચુસ્કીઓ લેતા લેતા રાહદારીઓને મુશ્કેલીમાં સપડાવી રહયા છે. ટીઆરબી જવાનો પણ મુકપ્રેક્ષકો બની રહી છે. જાહેર રોડ પર, ફુટપાથ ઉપર રેકડીઓ વાહનોનો જમેલો છવાયેલો રહેતો હોવાથી રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ત્યારે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીગના બદલે રાહદારીઓ અને વાહનચાલકોને ટ્રાફીક સમસ્યામાંથી બચાવવા પગલા ભરવા જરૂરી બન્યા હોવાની મહીલાઓમાંથી માગણી ઉઠી છે. એક તરફ રસ્તાઓ સાંકળા જયારે બીજી તરફ ફુટપાથ ઉપર રેકડીઓનો જમેલો રાહદારીઓની હાલત જાયે તો જાયે કહા જેવી સર્જાયેલ છે. રેકડીરાજે ફૂટપાથનું અસ્તિત્વ જ મીટાવી દીધું છે. શહેરમાં પોલીસનું અસ્તિત્વ ન હોય તેવી વિકટ પરીસ્થિતીનું નિર્માણ થયું છે.
એક સમય હતો જે અમરેલી ડો.જીવરાજ મહેતા ચોકથી ટાવર સુધી નજર કરો તો રોડ પર એક પણ રેકડી કે વાહન પાર્કીગ થયેલું જોવા મળતું ન હતુ. આજે પોલીસનું અસ્તિત્વ ન હોય તેવી હાલત વચ્ચે રાજમાર્ગો ઉપર છવાયેલ રેકડીરાજથી રાહદારીઓ અને મહીલાઓ ત્રાહીમામ પોકારી ઉઠેલ છે. ત્યારે પોલીસ દ્વારા ટ્રાફીકનો ખાસ ઝુંબેશ હાથ ધરી ટ્રાફીક સમસ્યા હળવી કરવા કડક પગલા ભરવા જરૂરી બની છે.