Western Times News

Gujarati News

દેશમાં માર્ચ 2023 સુધીમાં કુલ 185.33 લાખ કરોડની ફિક્સ ડિપોઝીટ જમા

બેેન્ક ડિપોઝિટમાં શહેરીજનોનો સિંહફાળોઃ ગ્રામ્ય રોકાણ માત્ર ૯ ટકા

(એજન્સી)અમદાવાદ,  ભારતમાં બેન્કોમાં જમા કુલ ડીપોઝીટ (બચત ખાતું, કરંટ ખાતું અને ફિક્સ ડીપોઝીટ મળી)માં માત્ર ૨૮ મેટ્રો અને શહેરી વિસ્તારના થાપણદારો ૫૦ ટકા બચત ધરાવે છે. બધા જ મેટ્રો અને શહેરી વિસ્તારો ગણીએ તો કુલ ડિપોઝીટમાં તેમનો હિસ્સો ૭૮ ટકા જેટલો છે સામે ગ્રામ્ય વિસ્તારોની ડીપોઝીટ માત્ર નવ ટકા છે.

સૌથી ચોંકાવનારી બાબત છે કે સુખી, સમૃદ્ધ અને દેશના અર્થતંત્રનું એન્જિન ગણાતા ગુજરાત રાજ્યનો હિસ્સો છ ટકા કરતા પણ ઓછો છે. મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ ગુજરાત કરતા આગળ છે.

રિઝર્વ બેંકના સ્ટેટીસ્ટીક્સ અનુસાર, માર્ચ ૨૦૨૩ની સ્થિતિએ દેશમાં કુલ રૂ.૧૮૫.૩૩ લાખ કરોડની ડિપોઝીટ જમા હતી. બેન્કિંગની ભાષામાં જેને મેટ્રોપોલિટન કેન્દ્ર કહેવામાં આવે છે તેવા દેશના ૬૩ બેન્કિંગ સેન્ટરમાંથી રૂ.૧૦૦.૦૩ લાખ કરોડ કે ૫૪ ટકા ડિપોઝીટ બેંકોમાં જમા થઇ છે. શહેરી ગણાતા ૩૫૬ કેન્દ્રોમાંથી રૂ.૩૯.૮૮ લાખ કરોડ કે ૨૧.૫૨ ટકા રકમ જમા થઇ છે.

આમ માત્ર શહેરી વિસ્તારમાંથી કુલ થાપણનો ૭૫ ટકા હિસ્સો આવે છે. ગ્રામ્ય ૭૪૮ વિસ્તારોમાંથી બેંકોમાં માત્ર રૂ.૧૬.૬૭ લાખ કરોડ કે નવ ટકા જ ડિપોઝીટ બેન્કોમાં જમા થઇ છે. દેશની ૩૮૮ શિડયુલ કોમર્શીયલ બેંકોમાં જમા ડિપોઝીટ આંકડાઓના આધારે આ વિગતો જાણવા મળી છે.

મુંબઈ મેટ્રો અને મુંબઈ સબબર્બન વિસ્તાર મળી બેંકોમાં રૂ.૨૬.૨૪ લાખ કરોડની રકમ જમા ધરાવે છે. આ રકમ સમગ્ર ગામ્ય વિસ્તાર કરતા વધારે છે એટલું જ નહિ આખા ગુજરાતની બેન્કિંગ ડિપોઝીટ કરતા પણ વધારે છે. માર્ચ ૨૦૨૩ના રોજ ગુજરાત રાજ્યમાંથી બેન્કોમાં કુલ રૂ.૧૦.૩૮ લાખ કરોડની રકમ જમા હતી.

એમાં પણ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર મુખ્ય શહેરોનો હિસ્સો ૫૪ ટકા કરતા વધારે છે. આ દર્શાવે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં જંગી બેન્કિંગ નેટવર્ક હોવા છતાં આવકના અભાવે બેંકોમાં લોકો નાણા જમા કરાવી શકતા નથી. ગુજરાતમાં પણ મેટ્રો અને શહેરી વિસ્તાર મળી કુલ રૂ.૭.૮૧ લાખ કરોડની ડિપોઝીટ ઉપર માલિકી ધરાવે છે એટલે કે દર ચાર ડિપોઝીટમાંથી ત્રણ આ વિસ્તારની હોય છે.

દેશમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની સુખાકારી અંગે હમેશ ચર્ચા થતી રહી છે અને શહેર તરફની હિજરતનું એક મુખ્ય કારણ છે કે ગામડાંમાં આર્થિક ઉપાર્જન કે રોજગારીની બહુ અલ્પ તક ઉપલબ્ધ છે. ૫૪ વર્ષથી દેશમાં બેન્કિગ ક્ષેત્રે આવેલા રાષ્ટ્રીયકરણ પછી પણ ગ્રામ્ય વિસ્તારોની હાલત કંગાળ જ રહી છે.

છેલ્લા બે દાયકાથી દેશમાં બેન્કિંગ ગ્રામ્ય સ્તર સુધી વ્યાપક બને એ માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. આ પછી ૨૦૧૪માં પ્રધાનમંત્રી જન ધન યોજનામાં વધારે સરળતાથી, શૂન્ય બેલેન્સ અને ઓછામાં ઓછા દસ્તાવેજ સાથે બેન્કિંગ સગવડ ઉભી કરવા માટે વધારે તેજ અભિયાન ચાલ્યું હતું.

જુલાઈ ૨૦૨૩ની સ્થિતિએ દેશમાં ૪૯.૪૯ કરોડ જન ધન ખાતા છે અને તેમાં રૂ.૨,૦૦,૯૫૮ કરોડની રકમ જમા હોવાનું સરકારે લોકસભાને જણાવ્યું હતું. એટલે કે સરેરાશ આ ખાતામાં માત્ર રૂ.૪૦૬૧ની રાશિ જમા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.