ટુરિઝમ ઓસ્ટ્રેલિયા અને એર ઇન્ડિયાએ ભારતમાંથી પ્રવાસીઓની વૃદ્ધિને વેગ આપવા ત્રણ-વર્ષના MoU કર્યાં
ગુરૂગ્રામ, ટુરિઝમ ઓસ્ટ્રેલિયા અને એર ઇન્ડિયાએ ભારતમાંથી મુલાકાતીઓના આગમનના સકારાત્મક ટ્રેન્ડને જાળવી રાખવા અને તેને વેગ આપવા માટે ત્રણ-વર્ષ માટે માર્કેટિંગ કરાર ઉપર આજે હસ્તાક્ષર કર્યાં છે કારણકે એર ઇન્ડિયા આ માર્કેટમાં તેની ઉપસ્થિતિ વધારી રહી છે.
આ સમજૂતી કરાર (એમઓયુ) અંતર્ગત ટુરિઝમ ઓસ્ટ્રેલિયા અને એર ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની વિશ્વ-સ્તરીય અપીલને દર્શાવવા તથા ભવિષ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે સંયુક્તરૂપે માર્કેટિંગ પ્રવૃત્તિઓ શરૂ કરવા અને લાગુ કરવાની તકો શોધશે.
ટુરિઝમ ઓસ્ટ્રેલિયાના મેનેજિંગ ડિરેક્ટર ફિલિપા હેરિસને કહ્યું હતું કે, “અમે તાજેતરના વર્ષોમાં ભારતથી ઓસ્ટ્રેલિયા આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ જોઇ છે અને અમે ઇચ્છીએ છીએ કે આ સંખ્યામાં સતત વધારો થતો રહે. એર ઇન્ડિયાની સાથે ટુરિઝમ ઓસ્ટ્રેલિયાનો કરાર ભાગીદારીને મજબૂત કરવા અને ભારતીય પ્રવાસીઓને ઓસ્ટ્રેલિયામાં રજા માનવવાની યોજના બનાવતા અને બુક કરવા માટે પ્રોત્સાહિત કરવાની નવી રીત શોધવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે. અમે ઓસ્ટ્રેલિયાને એક હોલિડે ડેસ્ટિનેશન તરીકે પ્રદર્શિત કરવા માટે એર ઇન્ડિયા સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છીએ.”
ટુરિઝમ ઓસ્ટ્રેલિયાના ઇસ્ટર્ન માર્કેટ્સ એન્ડ એવિએશનના એક્ઝિક્યુટિવ જનરલ મેનેજર એન્ડ્રુ હોગે કહ્યું હતું કે, “ઓસ્ટ્રેલિયાના મૂલ્યવાન પ્રવાસન માર્કેટ તરીકે ભારત જબરદસ્ત સંભાવનાઓ ધરાવે છે તથા અમે એર ઇન્ડિયા સાથે સહયોગ કરીને ભારતીય લેઝર અને બિઝનેસ ટ્રાવેલર્સ માટે ઓસ્ટ્રેલિયાની અપીલમાં વધારો કરવા માગીએ છીએ. અમારો ઉદ્દેશ્ય ભારતમાંથી ઓસ્ટ્રેલિયા આવતા મુલાકાતીઓની સંખ્યામાં સતત વધારો કરવાનો તથા બે દેશો વચ્ચે પ્રવાસન અનુભવ અને જોડાણમાં વધારો કરવાનો છે.”
એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને કહ્યું હતું કે, “અમે પ્રવાસીઓને ઓસ્ટ્રેલિયાની વિશિષ્ટ ઓફરિંગનો અનુભવ પ્રદાન કરવા માટે ટુરિઝમ ઓસ્ટ્રેલિયા સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છીએ. અમે વિશ્વભરમાં અમારું નેટવર્ક વિસ્તારી રહ્યાં છીએ ત્યારે અમારો ઉદ્દેશ્ય ઓસ્ટ્રેલિયામાં પણ અમારી ઉપસ્થિતિ વધુ ગાઢ કરવાનો છે.”
એર ઈન્ડિયા હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાને જોડતી 17 સાપ્તાહિક નોન-સ્ટોપ ફ્લાઈટ્સ ચલાવે છે. ઓગસ્ટ 2024ના વર્ષમાં એરલાઈને 170,000 થી વધુ ભારતીય પ્રવાસીઓનું પરિવહન કર્યું હતું તથા 18.5 ટકા બજાર હિસ્સો મેળવ્યો, જે ભારતથી ઓસ્ટ્રેલિયા સુધીના ટ્રાફિકના સૌથી મોટા કેરિયર્સ પૈકીનું એક છે.