ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું નિધન

નવી દિલ્હી, ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ એસ કિર્લોસ્કરનું નિધન થયું છે. તેઓ ૬૪ વર્ષના હતા. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું હતું.
વિક્રમ કિર્લોસ્કરના પરિવારમાં તેમની પત્ની ગીતાંજલિ અને પુત્રી માનસી કિર્લોસ્કર છે. કંપની દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતીમાં કહેવામાં આવ્યું છે કે વાઇસ ચેરમેન વિક્રમ એસ કિર્લોસ્કરનું અકાળે અવસાન થયું છે. આ માહિતી આપતા અમને ખૂબ જ દુઃખ થાય છે. દુઃખની આ ઘડીમાં અમે દરેકને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા વિનંતી કરીએ છીએ.
બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, તે વિક્રમના આઘાતજનક અવસાનથી આઘાતમાં છે. તે આવા પ્રિય અને સાચા મિત્ર હતા જેને હું ખૂબ જ યાદ કરીશ. હું તેમની પત્ની ગીતાંજલિ અને પુત્રી માનસી અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. વિક્રમ કિર્લોસ્કર તાજેતરમાં એક કાર્યક્રમમાં સામેલ થયા હતા.
આ દરમિયાન તેમણ કહ્યું હતું કે ભારતીય ઓટો ઉદ્યોગને વિશ્વ સ્તર પર વધારે પ્રતિસ્પર્ધી બનાવા અને અર્થતંત્રને લાભ પહોંચાડવાની સાથે વધુ રોજગારી આપવા ૧૦ વર્ષમાં ઓટોમોબાઇલ પર ટેક્સ અડધો કરવાના રોડમેપ પર વિચાર કરવો પડશે.
રિપોર્ટ્સ મુજબ ૧૮૮૮માં લક્ષ્મણરાવ કિર્લોસ્કર દ્વારા સ્થાપિત ગ્રુપની ચોથી પેઢીના સભ્ય વિક્રમ કિર્લોસ્કર કોલેજ બાદ પુણેમાં કિર્લોસ્કર કમિંસમાં પ્રોડક્શન એન્જિનિયરિંગમાં ટ્રેઇની તરીકે સામેલ થયા હતા. વિક્રમ કિર્લોસ્કરે મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે ૧૯૯૭માં જાપાનની ટોયોટા મોટર કોર્પને ભારતમાં લાવવા મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી.