ટ્રેકટરો ભાડે લઈ છેતરપિંડી કરતાં શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/tractor.jpg)
પ્રતિકાત્મક
સેવાલિયા પંથકમાંથી 7 ટ્રેકટરો પંચમહાલના ઈસમોએ ભાડે લઈ છેતરપિંડી કરતાં ફરિયાદ નોંધાઈ-માસિક રૂ૨૦,૦૦૦ ના ભાડાથી વાત નક્કી થઈ હતી પરંતુ બાદમાં ઠગાયા હોવાનું ખુલ્યું
(પ્રતિનિધિ) નડિયાદ, વાહનો ભાડે લઈ છેતરપિંડીની કરવાના બનાવ છાશવારે અખબારના પાને ચમકે છે છતાં પણ લાલચમાં આવીને લોકો પોતાના વાહનો ભાડે આપતા હોય છે
સેવાલિયા પંથકમાં સાત ટ્રેક્ટર માલિકોએ માસિક ?૨૦,૦૦૦ ના ભાડાની લાલચમાં પંચમહાલ જિલ્લાના સાત ઈસમો ને પોતાના ટ્રેક્ટર કોઈ જાતના નોટરી કરાર કર્યા વગર ભાડે આપી દીધા હતા જોકે બાદમાં ભાડું આપવાનું તેમજ ટ્રેક્ટર પરત આપવાનું ભાડે લેના ઇસમો એ ઇન્કાર કરતાં મામલો સેવાલિયા પોલીસમાં પહોંચ્યો છે હાલમાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના રામપુર ગામે રહેતા ઉદાભાઈ પરમાર પાસે પોતાની માલિકીનું ટ્રેક્ટર છે ગત તા ૧૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ તેમનો પરિચય પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સોમાભાઈ પટેલ સાથે થયો હતો વાતવાદમાં સોમાભાઈએ જણાવ્યું હતું કે મારે ટ્રેક્ટર ભાડે લેવું છે જેથી મુદા ભાઈએ પોતાનું ટ્રેક્ટર ભાડે આપવાની ઈચ્છા દર્શાવી હતી અને રૂપિયા ૨૦,૦૦૦ માસિક ભાડું નક્કી કરી તે દિવસે સોમાભાઈને પોતાનું ટ્રેક્ટર ભાડે આપ્યું હતું
વિશ્વાસ બેસે તે માટે સોમાભાઈએ ટ્રેક્ટર નું પ્રથમ ભાડુ આપી દીધું હતું. જેથી ઉદાભાઈને વિશ્વાસ બેસી ગયો હતો. આની જાણ અન્ય ગામના છો ખેડૂતને થઈ હતી તેમણે પણ પોતાનું ટ્રેક્ટર ભાડે આપવા માટે ઉદાભાઈને વાત કરી હતી ટ્રેક્ટર લેતા પહેલા રૂ.૨૦,૦૦૦ નું ભાડું આપતા હોય એટલે પાર્ટી વિશ્વાસ લાયક છે તેનું સૌ કોઈને મનમાં થાય તે સ્વાભાવિક છે એટલે ઉદાભાઈએ અન્ય ખેડૂતોને પણ મેં મારું ટ્રેક્ટર ભાડે આપ્યું છે તમે તમારું પણ આપો તો કોઈ વાંધો આવશે નહીં
તેવું જણાવતા ગળતેશ્વર તાલુકાના અન્ય બીજા ૬ જેટલા ખેડૂતોએ લોભ લાલચમાં પોતાનું ટ્રેક્ટર આ સોમાભાઈ પટેલ અને તેના કહેવાથી તેમના મળતિયાઓ ધર્મેશ ઉર્ફે બોડો પટેલ, વિશાલ પટેલ, કાર્તિક ચૌહાણ, ભરત ભરવાડ, રાકેશ વણકર અને વિનોદ ઉર્ફે મુકેશ ચૌહાણ (તમામ રહે.જિ.પંચમહાલ)ને ટ્રેક્ટર તેમજ ટ્રોલી કુલ સાત નંગ કિંમત રૂપિયા ૨૭ લાખના કિંમતના ભાડા પર ફેરવવા આપ્યા હતા. રૂપિયા ૨૦ હજારથી માંડીને રૂપિયા ૨૫ હજાર સુધીનો ભાડું નક્કી કરાયું હતું. જોકે જે તે સમયે આ ટ્રેક્ટર માલિકોએ કોઈ ભાડા કરાર કે નોટરી કરી નહોતી.
આ બાદ ટ્રેક્ટર માલિકોએ પોતાના વાહનો ક્યાં ફરે છે તે જાણવા અવારનવાર ભાડે આપેલા વ્યક્તિઓને કહેતા હતા પરંતુ તે લોકો કોઈ જવાબ આપતા નહોતા. આ ઉપરાંત નક્કી કરેલું ભાડું પણ આપ્યું નહોતું. તેમજ વાહનો પરત માંગતા તે પણ આપ્યા નહોતા. ટ્રેક્ટર માલિકોએ તપાસ કરાવતા આ તમામ સાતે સાત ટ્રેક્ટર સુખવીન્દરસિંહ ઉર્ફે રૂમી ભુપેન્દ્રસિંહ ગરેવાલ (રહે.ગોધરા) નામના ઈસમ પાસે હોવાનું માલિકોને જાણ થઈ હતી.
જેથી ટ્રેક્ટર માલિકોને પોતાની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થઈ હોવાનો અહેસાસ થતાં આ સમગ્ર મામલે ઉદાભાઈ પરમારે સેવાલીયા પોલીસ મથકે ઉપરોક્ત ૮ ઈસમો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.