શિલજ એસપી રીંગ રોડ પર ટ્રાફિકની અવ્યવસ્થા: સ્થાનિકો પરેશાન

અમદાવાદ, અમદાવાદના શિલજ વિસ્તારમાં એસપી રીંગ રોડ પર હાલ માર્ગ નિર્માણના કામ અંતર્ગત પતરા લગાવી દેવામાં આવ્યા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. શિલજ ગામ તરફથી થલતેજ બાગબાન ચાર રસ્તા સુધી આવવા-જવા માટે હાલ માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ છે.
આ એકમાત્ર વિકલ્પ તરીકે શિલજ બ્રિજથી રેલવે લાઈન તરફનો સિંગલ રસ્તો ઉપલબ્ધ છે, જ્યાં વેનેશિયમ વીલા બંગલો આવેલા છે. નોંધનીય છે કે રાજ્યના કાયદા મંત્રી શ્રી રૂષિકેશભાઈનું નિવાસસ્થાન પણ આ વિસ્તારમાં હોવા છતાં આ માર્ગની સ્થિતિ અત્યંત ખરાબ છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, રસ્તો ઉબડખાબડ હોવાને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ પર માટીની ધૂળ ઉડતી હોવાથી આસપાસના રહેવાસીઓ અને રાહદારીઓને શ્વાસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમસ્યા અંગે કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ તરફથી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિક રહીશોએ સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને વિનંતી કરી છે. શિલજ વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે આટલા મહત્વના માર્ગની દુર્દશા દૂર કરવા માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવાની જરૂર છે.