Western Times News

Gujarati News

બુલેટ ટ્રેનની કામગીરીથી બ્રીજ બંધ થતા મણીનગર ક્રોસિંગ પર ટ્રાફિકનું ભારણ વધ્યું

File Photo

ટ્રાફિક નિયમન માટે પોલીસ- ટ્રાફિક જવાનોની પ્રશંસનીય કામગીરી ઃ ૧૦ દિવસ મણીનગર તથા ત્યાંથી પસાર થતા વાહનચાલકોને તકલીફ સહન કરવી પડશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદથી મુંબઈ સુધી શરૂ થનાર બુલેટ ટ્રેનની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. મણીનગર રેલ્વે સ્ટેશન પાસે બુલેટ ટ્રેનની કામગીરીને કારણે બે બ્રીજ હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે જેને કારણે (ખાસ તો ખોખરા- મણીનગર બ્રીજ) બંધ થતા મણીનગર રેલ્વે ક્રોસિંગ તરફનું વાહનોનું ભારણ ખૂબ જ વધી ગયુ છે

જેને કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય નહી તે હેતુથી સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ તથા એલઆરડીના જવાનો સતત કામગીરી બજાવતા દૃશ્યમાન થાય છે. મણીનગર ક્રોસિંગ ખૂબ જ ઝડપથી વારંવાર બંધ થતુ હોવાને કારણે ટ્રાફિકજામ થઈ જાય છે. જોકે દક્ષિણી પાસે અંડરપાસ બનાવ્યો હોવાથી ઓટો રીક્ષાઓ તથા દ્વિ-ચક્રી વાહનો ખૂબ જ સરળતાથી પસાર થઈ જાય છે.

પરંતુ ક્રોસિંગ આગળ તમામ બાજુથી આવતા વાહનોનો ખડકલો થઈ જાય છે. વળી બહારગામ જતા મોટા વાહનો એસ.ટી તથા અન્ય ફોર વ્હીલર્સ અહીંયાથી પસાર થાય છે. ખોખરા- મણીનગર તથા અસારવાબ્રીજ ૧૦ દિવસ માટે હંગામી ધોરણે બંધ કરાયો છે. બુલેટ ટ્રેનની કામગીરીના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થવાથી ટ્રાફિક વધ્યો છે

પરિણામે આ સ્થળ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય નહી તે માટે પોલીસ- ટ્રાફિક વિભાગ સંયુકત રીતે ટ્રાફિક નિયમન કરે છે પોલીસની ઉપસ્થિતિના કારણે વાહનચાલકો કતારબધ્ધ ઉભા રહે છે તેમ છતાં અમુક ઓટો રીક્ષાવાળા રોંગ સાઈડમાંથી રીક્ષા નીકાળવાના પ્રયાસ કરે છે તે યોગ્ય નથી કારણ કે તેનાથી અકસ્માત થવાની સંભાવના પૂરેપૂરી વધી જાય છે અને બીજી તરફ ટ્રાફિકજામ થાય છે.

લાલ બસ તથા બી.આર.ટી.એસ. બસોને ક્રોસિંગથી વિપરીત દિશામાં ટર્ન લેવો પડતો હોવાથી વચ્ચેની જગ્યા ખાલી રાખવી પડે છે તેનું પણ સુંદર આયોજન કરાયુ છે. સામાન્ય દિવસોમાં એસ.ટી બસવાળા કતારબધ્ધ ઉભેલા જોવા મળે છે આ બાબતમાં લાલબસવાળાએ શિસ્તના પાઠ એસ.ટી.વાળા જોડેથી લેવા જોઈએ તેમ લોકો ચર્ચી રહયા છે.

હાલમાં ૧૦ દિવસ માટે બુલેટટ્રેનની કામગીરી ચાલતી હોવાથી ટ્રાફિક તો રહેશે. કારણ કે મણીનગરના રેલ્વે ટ્રેક પર પેસેન્જર ટ્રેન અને માલગાડીઓની અવરજવર સતત રહે છે અને ક્રોસિંગ વારંવાર બંધ થઈ જાય છે આવા સંજોગોમાં પોલીસની ઉપસ્થિતિ ખૂબ જ સૂચક બની જાય છે. ટ્રાફિક નિયમને કારણે વાહનો થોડી તકલીફને બાદ કરતા સરળતાથી પસાર થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.