2 હજાર વાહન ચાલકોના લાઇસન્સ રદ: ટ્રાફિકને લઈને પોલીસની સખ્તાઈ
(એજન્સી)અમદાવાદ, ટ્રાફિકને લઈને પોલીસે આકરું વલણ અપનાવવા માંડ્યું છે. તેથી જો વારંવાર ટ્રાફિક ભંગ કરવાની ટેવ પડી હોય તો ચેતી જજો. ટ્રાફિકના નિયમની અવગણના ભારે પડી શકે છે.
હાઇકોર્ટના સૂચન બાદ ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરાતા લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આના સંદર્ભમાં બે હજાર જેટલા વાહનચાલકોના લાઇસન્સ રદ કરવામાં આવનાર છે. આ બાબતે ડીસીપી સફીન હાસીને જણાવ્યું હતુ કે ટ્રાફિક પોલીસ દ્વારા મહત્તમ હેલ્મેટ નહી પહેરીને વાહન ચલાવતા, ઉપરાંત ટ્રાફિકના નિયમનો ભંગ કરીને છ જેટલા મેમો જેને આપવામાં આવ્યા છે.
એવા ૨ હજાર જેટલા વાહનચાલકોના લાયસન્સ રદ્દ કરવા માટેનો રીપોર્ટ આરટીઓને કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યની આર ટી ઓમાં આ રીપોર્ટ કરીને વાહનચાલકોની વિગત આપવામાં આવી છે. જો કે ગત જુલાઇ મહિનામાં પણ ૧૫૧ વાહનચાલકોના લાયસન્સ રદ્દ કરવા માટેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આર ટી ઓ દ્વારા ૩૭ જેટલા વાહનચાલકોના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યાં છે.
જો કે હાલમાં પણ હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા રોજના ૩ થી ૪ હજાર વાહનચાલકોને મેમો આપવામાં આવી રહ્યાં છે. જ્યારે આગામી દિવસોમાં પણ છ મેમોની સંખ્યામાં ઘટાડો કરીને વધુમાં વધુ વાહનચાલકો સામે કડક કાર્યવાહી થાય તે માટેના પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવશે.
તાજેતરમાં જ અમદાવાદ ગ્રામ્ય પોલીસે સ્કૂલે વાહન લઈ જતા સગીરો સામે કાર્યવાહી શરૂ કરી હતી. તેના હેઠળ પણ સગીરો પાસેથી જંગી દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત આખા રાજ્યમાં પણ પોલીસ હેલમેટ વગરના વાહનચાલકો દંડવાની કાર્યવાહી કરી ચૂકી છે.