ટ્રાફિક પોલીસે છેલ્લા ૧૦ વર્ષમાં ૯૯.૮૧ લાખ ચલણ જનરેટ કર્યા
અમદાવાદ, અમદાવાદ ટ્રાફિક પોલીસની કામગીરી જોતા ટ્રાફિક નિયમોનો ભંગ જાણે કે સૌથી વધુ અમદાવાદ શહેરમાં થતો હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસે વર્ષ ૨૦૧૫થી સીસીટીવી, સ્પીડ ગન જેવી ટેકનોલોજી મારફતે નિયમો ભંગ કરનાર લોકોને ઇ-ચલણ આપવાની શરૂઆત કરી હતી. જેની આંકડાકીય માહિતી પ્રમાણે અમદાવાદ ટ્રાફિક પોલીસે વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીમાં કુલ ૯૯.૮૧ લાખ ચલણ જનરેટ કર્યા છે.
એટલે કે પોલીસે ૪૬૪ કરોડથી વધુનો દંડ વાહનમાલિકોને ફટકાર્યાે છે. જો કે તેમાંથી માત્ર ૨૯.૬૩ લાખ ચલણની વસૂલાત ટ્રાફિક પોલીસ કરી શકી છે. જેની રકમ જોવા જઇએ તો માત્ર ૧૧૧ કરોડનો દંડ વસૂલાયો છે. જ્યારે ૭૦.૧૭ લાખ ચલણની ૩૫૨ કરોડની રકમ વસૂલાઇ નથી.
શહેર પોલીસ અવાર નવાર આ મામલે ડ્રાઇવ યોજે છે પરંતુ હજુ સુધી તેની કોઇ અસરકારક કામગીરી ન દેખાતા હવે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે સવાલ છે. આ મામલે ટ્રાફિક વિભાગના અધિકારીઓએ દાવો કરતા જણાવ્યું છે કે પહેલા કરતા અસરકારક કામગીરી શરૂ કરાઇ છે. અગાઉ ઇ-ચલણનો રિકવરી રેટ ૧૦ ટકા હતો.
પરંતુ આ મામલે લોકઅદાલત અને પોલીસની ધોંસ વધતા રિકવરી રેટ વધીને ૧૫ ટકા થયો છે. વર્ષ ૨૦૨૪માં ૧૮.૪૭ લાખ ઇ-ચલણ જનરેટ થયા હતા જેમાંથી ૨.૭૯ લાખ ચલણનો નિકાલ થયો છે. ઇ-ચલણના નિકાલ માટે લોકઅદાલત થકી કામગીરી પણ ચાલી રહી છે.
શહેરમાં ગૃહ વિભાગ અને કોર્પાેરેશનના પ્રોજેક્ટ અંતર્ગત કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાં સીએસઆઈટીએમએસ પ્રોજેક્ટના ૨૫૪ કેમેરા લગાવવામાં આવ્યા છે.
ખાનગી કંપનીએ વર્ક ઓર્ડર મેળવ્યા બાદ પણ હજુય પોલીસ અધિકારીઓને મુરખ બનાવવાનો પ્રયાસ કરીને અવનવા બહાના બતાવવામાં આવે છે. જેના કારણે શહેરના અનેક કેમેરા હજુય બંધ હાલતમાં છે. જેના કારણે કેટલાક પ્રકારના વાયોલેશનના ચલણ ઇસ્યુ થતા નથી. ઉલ્લેખનીય છે કે તેની સામે અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસ ચલણ જનરેટ કરે છે.SS1MS