અમરેલીમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની
![Traffic problem in Amreli](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/amreli.jpg)
સાંકડા રસ્તામાં બંને બાજુ રેંકડી, પાર્કિંગના કારણે રાહદારીઓને હાલાકી
અમરેલી, અમરેલીમાં ટ્રાફિક સમસ્યા દિનબદિન વકરી રહી છે. ટ્રાફિકના કોઈ નિયમ જ અસ્તિત્વમાં ન હોય તેવું લાગી રહ્યું છે. વાહનચાલકો મનફાવે તે રીતે વાહનો પાર્ક કરતા હોવાથી તેમજ સાંકડા રસ્તામાં બંને સાઈડ ખાણીપીણીની લારીઓના જમેલાથી રાહદારીઓને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે પોલીસ તંત્ર કયારેય એલર્ટ બનતું ન હોવાથી સમસ્યા વિકરાળ બનતી જાય છે.
શહેરના હાર્દ સમાન ટાવર રોડ, હરિ રોડ, લાઈબ્રેરી રોડ, સ્ટેશન રોડ, ભીડભંજન ચોક, ટેલિફોન ઓફિસ સામે, પોસ્ટ ઓફિસ સામેના રસ્તા ટ્રાફિકથી સતત ધમધમતા માર્ગ છે. આ તમામ માર્ગમાં સમસ્યા પણ એટલી જ વિકરાળ બની રહી છે. ટ્રાફિક પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ વાહનચાલકો મનફાવે તે રીતે વાહનો ઉભા રાખી દે છે. આડેધડ પાર્કિંગ કરતા હોવાથી ઉપરાંત લારી ગલ્લાના દબાણના કારણે રસ્તામાં ચાલવું પણ મુશ્કેલ બને છે.
ફુટપાથ પર તો કાયમ માટે ખાણીપીણીની રેંકડીના જમેલા જાેવા મળે છે. તેમાં આવતા ગ્રાહકો પણ મનફાવે તે રીતે વાહનો ઉભા રાખી દે છે. આથી અન્ય વાહનો નીકળી શકતા નથી. રાહદારીઓ માટેની ફુટપાથ લારીવાળાઓએ દબાવી દીધી છે એટલું જ નહી કેટલીક બેન્ક અને સરકારી કચેરીના પાર્કિંગ પણ બહાર હોવાથી પીક અવરમાં ભારે સમસ્યા ઉભી થાય છે.
સ્ટેશન રોડ પર દેના બેન્કનું કોઈ પાર્કિંગ ન હોવાથી વાહનચાલકો જાહેર માર્ગ પર જ વાહનો ઉભા રાખી દે છે. આથી ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે. એક તો જિલ્લા મથકના રસ્તા સાંકડા ઉપરાંત વાહનો, લારી ગલ્લાના દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા દિનબદિન વકરતી જાય છે.