ટ્રાફિકનો ભંગ કરશો તો લાઈસન્સ રદ થઈ શકે છેઃ 3000 લાઇસન્સ રદ કરવા RTOને ભલામણ
અમદાવાદ જિલ્લામાંથી ૩૦૦૦ લાઇસન્સ રદ કરવા આર.ટી.ઓ.ને પોલીસ વિભાગની ભલામણ
( પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક મહિનાથી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને હેલ્મેટ પહેરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. કારણ કે છેલ્લા કેટલાક સમયમાં અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે.
તેમાં માથા ઉપર વાગવાથી જીવ જોખમમાં મુકાઈ શકે છે. તેથી તે જોખમ ઘટાડવા માટે ટુ-વ્હીલર ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા ઉપર અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પણ ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદ શહેરમાં કડક હેલ્મેટ ડ્રાઇવ ચાલી રહી છે. જેમાં હેલ્મેટ ન પહેરનારા લોકો વિરુદ્ધ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદ જિલ્લામાં ત્રણ આરટીઓ કચેરી આવેલી છે. જેમાં અમદાવાદ આરટીઓ, વસ્ત્રાલ આરટીઓ અને બાવળા આરટીઓનો સમાવેશ થાય છે. સમગ્ર અમદાવાદ જિલ્લામાં આ હેલ્મેટ ડ્રાઇવ ચલાવવામાં આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાંથી ૩૦૦૦ લોકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા અમદાવાદ શહેર પોલીસ દ્વારા આરટીઓને જણાવવામાં આવ્યું છે.
જેમાંથી ૧૪૦૦ લોકોએ ય્ત્ન-૦૧ એટલે કે અમદાવાદ આરટીઓ અંતર્ગત લાઇસન્સ રજીસ્ટર કરાવેલા હતા. તેમાંથી ૮૫૦ લોકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદ આરટીઓ જે.જે.પટેલના જણાવ્યા અનુસાર આગામી ૭થી ૧૦ દિવસમાં બાકીના તમામ લોકોના પણ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.
હાઇકોર્ટ લાલઘૂમ થતાંની સાથે જ પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે. શહેરમાં જો કોઇ વાહનચાલકે હેલ્મેટ પહેર્યું નહીં હોય તો પોલીસ તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. ત્રણ મહિનાથી અનિશ્ચિત સમય સુધી ટ્રાફિક-પોલીસની સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઇવ ચાલી રહી છે.
વહેલી સવારે કે મોડીરાતે પણ જો કોઇ ટુ-વ્હીલરચાલક હેલ્મેટ પહેર્યા વગર નીકળશે, તો ટ્રાફિક-પોલીસ તેમને દંડ કરશે અને લાઇસન્સ સસ્પેન્ડ કરશે. સામાન્ય રીતે પોલીસની ડ્રાઇવ થોડા દિવસો પૂરતી હોય છે, પરંતુ આ વખતે જ્યાં સુધી શહેરમાં ટુ-વ્હીલર ચલાવતા વાહનચાલકો હેલ્મેટ નહીં પહેરે ત્યાં સુધી આ ડ્રાઇવ ચાલુ રખાશે.
ટ્રાફિકના નિયમોના ભંગ કરતા વાહનચાલકો ગમે ત્યારે ટ્રાફિક-પોલીસ સાથે માથાકૂટ કરે અને પછી ભ્રષ્ટાચારના ખોટા ખોટા આરોપ મૂકતા હોય છે. આવી સ્થિતિમાં વાહનચાલક અને ટ્રાફિક- પોલીસ વચ્ચે જો કોઇ માથાકૂટ થાય ત્યારે એનું વીડિયો રેર્કોડિંગ હોય ત્યારે ખરી હકીકત સામે આવતી હોય છે. ટ્રાફિક-પોલીસ પાસે ૧૫૦૦ બોડીવોર્ન કેમેરા છે, જે પહેરીને હવે ડ્યૂટી કરવામાં આવશે. શહેરના તમામ ટ્રાફિક જંકશન પર પોલીસ હવે બોડીવોર્ન કેમેરા સાથે સજ્જ રહેશે.