ગરમી વધતાં ટ્રાફિક સિગ્નલ બપોરે 12 થી 4 બંધ રાખવાનો નિર્ણય

File Photo
અમદાવાદ, 25 એપ્રિલ 2025: અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, જેના કારણે શહેર પોલીસે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરના 74 જેટલા ટ્રાફિક સિગ્નલ બપોરે 12 થી સાંજે 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, ગરમીને કારણે ટ્રાફિક પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી રહી છે. આ સંજોગોમાં તેમના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે અને જરૂર પડ્યે પોલીસ જવાનો દ્વારા મેન્યુઅલી ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવશે.
સત્તાધીશોએ જણાવ્યું કે આ નિર્ણય અસ્થાયી છે અને હાલમાં ઉનાળાની ઋતુ દરમિયાન જ અમલમાં રહેશે. શહેરના મુખ્ય માર્ગો પર સવારે 8 થી 12 અને સાંજે 4 થી 9 વાગ્યા સુધી ટ્રાફિક પોલીસ કર્મચારીઓની સંખ્યા વધારવામાં આવશે જેથી વાહનવ્યવહાર સુચારુ રહે.
શહેરના પોલીસ કમિશનરે વધુમાં ઉમેર્યું કે ટ્રાફિક પોલીસ જવાનોને ઓઆરએસ, પાણી અને છત્રી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત ધોરી માર્ગો પર ‘હીટ શેલ્ટર’ બનાવવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં પોલીસ કર્મચારીઓ આરામ કરી શકશે.
નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને બપોરના સમયે જરૂર વગર ઘરની બહાર ન નીકળે. શહેરી વિસ્તારોમાં આ સમયે વાહનોની સંખ્યા ઓછી હોવાથી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાથી કોઈ મોટી સમસ્યા સર્જાશે નહીં તેમ પોલીસ વિભાગનું માનવું છે.