મોટેરામાં રેલવે કર્મચારીના બંગલામાં તસ્કરો ત્રાટક્યા
મોટેરામાં તસ્કરો ત્રાટક્યા – મહિલાની પહેરેલી સોનાની બુટ્ટી તેમજ બંગડી કાઢી લીધા- બાદમાં તિજોરી તોડીને તેમાંથી દાગીના તેમજ રોકડા પપ હજાર કાઢી
(એજન્સી)અમદાવાદ, મોટેરામાં આવેલા બંગલોમાં રહેતી આધેડ મહિલાના મોં પર ટોર્ચથી લાઈટ નાંખીને ધમકી આપ્યા બાદ ચોરી તેમજ સ્નેચિંગ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્રણ બુકાનીધારી શખ્સ ચોરી કરવાના ઈરાદે બંગલોમાં ઘૂસ્યા હતા.
પરંતુ મહિલા પાણી પીવા ઉઠી જતાં ભાંડો ફૂટી ગયો હતો. તસ્કરોએ મહિલાના મોં પર ડંડો મૂકીને ધમકી આપી હતી કે જો અવાજ કર્યોર્ તો જાનથી મારી નાંખીશું. મહિલાને ત્રણેય શખ્સ બેડરૂમમાં લઈ ગયા બાદ તેના દાગીના ચોરી કર્યા હતા અને બાદમાં તિજોરીમાંથી ચોરી કરીને નાસી ગયા હતા.
મોટેરા વિસ્તારમાં આવેલા આવલી હેરિટેજ બંગલોમાં રહેતા કરૂણાબહેન ચક્રવર્તીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચોરી તેમજ સ્નેચિંગની ફરિયાદ કરી છે. કરૂણાબહેનના પતિ નીતિનભાઈ ભૂજ ખાતે રેલવેમાં નોકરી કરે છે. જ્યારે તે પોતાની ર૬ વર્ષીય દીકરી નિર્જરી અને ૧૮ વર્ષીય દિકરો જય સાથે મોટેરા ખાતે આવેલી હેરિટેજ બંગલોમાં રહે છે.
ગઈકાલે નિર્જરી અને જય જમી કરીને પોતાના રૂમમાં સૂઈ ગયા હતા જ્યારે કરૂણાબહેન પણ પોતાના રૂમમાં સૂઈ ગયા હતા. મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ કરૂણાબહેન પાણી પીવા માટે ઉઠયા હતા અને રસોડામાં ગયા હતા. રસોડામાં જતાની સાથે જ કરૂણાબહેન ત્રણ બુકાનીધારી શખ્સને જોઈને ગભરાઈ ગયા હતા. ત્રણ શખ્સ પૈકી એક શખ્સે કરૂણાબહેનના મોઢા પર ટોર્ચથી લાઈટ નાંખી હતી.
દરમિયાનમાં બીજા શખ્સે તેમના મોં પર ડંડો મૂકીને ધમકી આપી હતી. ત્રણેય શખ્સોએ ધમકી આપી હતી કે જો અવાજ કર્યો છે તો જાનથી મારી નાંખીશું. કરૂણાબહેન ગભરાઈ ગયા હતા અને ત્રણે શખ્સ તેમને બેડરૂમમાં લઈ ગયા હતા.
કરૂણાબહેન બેડરૂમના પલંગ પર બેઠા હતા ત્યારે ત્રણેય શખ્સોએ લૂંટ કરવાની શરૂ કરી હતી. એક શખ્સે કરૂણાબહેનને પહેરેલું ડોકિયું ખેંચી લીધું હતું અને બાદમાં પહેરેલી સોનાની બુટ્ટી તેમજ બંગડી કાઢી લીધા હતા તો બીજા બે શખ્સોએ તિજોરી તોડીને તેમાંથી દાગીના તેમજ રોકડા પપ હજાર કાઢી લીધા હતા.
કરૂણાબહેનની સામે આસાનીથી ચોરી કરીને ત્રણેય શખ્સો નાસી ગયા હતા જેથી તેમણે બૂમાબૂમ કરીને નિર્જરી અને જયને ઉઠાડી દીધા હતા. કરૂણાબહેને તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી દીધી હતી. જેથી ઘટનાની ગંભીરતા લઈને પોલીસની ટીમ તરત જ આવલી હેરિટેજ બંગલો આવી પહોંચી હતી.
કરૂણાબહેને આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે લૂંટની આ ચકચારી ઘટનામાં એફએસએલ તેમજ ડોગ સ્કવોડની મદદ પણ લીધી છે. મોટેરામાં આવલી હેરિટેજ બંગલોની સ્કીમ સૌથી સરસ ગણવામાં આવે છે તેમાં સુરક્ષા મામલે છીંડા જોવા મળ્યા છે.
બંગલોમાં સીસીટીવી કેમેરા લાગવેલા છે પરંતુ નાઈટ વિઝનના કેમેરા ન હોવાના કારણે તેમાં ધાડપાડુ ગેંગ જોઈ શકાતી નથી. આ સિવાય સિકયોરિટી ગાર્ડનો પણ અભાવ જોવા મળ્યો છે. આખા બંગલોની સ્કીમમાં એક પણ સિકયોરિટી ગાર્ડ હતો નહીં. હાલ ચાંદખેડા પોલીસે તમામ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ધાડપાડુને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.