100થી વધુ મુસાફરો ભરેલી બોટ પલટીઃ 24 નાં મોત
બોટમાં ૧૦૦થી વધુ મુસાફરો હતા, મૃત્યુઆંક હજુ વધી શકે છેઃ નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સી
અબુજા, નાઈજીરિયામાં એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા ૨૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ઘણા લોકો હજુ પણ લાપતા છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા, જેઓ નાઈજીરિયાના નાઈજર પ્રાંતના મોકવામાં બોટમાં મુસાફરી કરતી વખતે ડૂબી ગયા હતા. Tragedy as boat capsized in mokwa, Niger state
નાઈજીરિયાની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રાંતીય વડા ઝૈનબ સુલેમાનના જણાવ્યા અનુસાર બોટમાં ૧૦૦થી વધુ મુસાફરો હતા અને આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. સુલેમાને કહ્યું કે બચાવ અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં ૨૪ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ૩૦ લોકોને બચાવવામાં આવ્યા છે.
આ મીડિયા રિપોર્ટ પહેલા, આ વર્ષે જૂનમાં ઉત્તરી નાઈજીરિયામાં એક મોટી દુર્ઘટના સામે આવી હતી. જેમાં લગ્નમાંથી પરત ફરી રહેલા લોકોને લઈને જઈ રહેલી બોટ પલટી ગઈ હતી, જેમાં લગભગ ૧૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ઘણા લોકો લાપતા થયા હતા. આ દુર્ઘટના પડોશી નાઈજરના ક્વારા રાજ્યમાં નાઈજર નદીમાં થઈ હતી.
આ દરમિયાન સ્થાનિક રહેવાસી ઉસ્માન ઈબ્રાહિમે જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત બોટમાં મહિલાઓ અને બાળકો પણ સવાર હતા. આ લોકો નાઈજરના અગબોટી ગામમાં એક લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે બોટ પલટી ગઈ હતી. તમને જણાવી દઈએ કે નાઈજીરિયાના ઘણા દૂરના પ્રાંતમાં બોટ ડૂબી જવાની ઘટનાઓ સામાન્ય છે. વાસ્તવમાં, સ્થાનિક રીતે બનાવેલી બોટનો ઉપયોગ સામાન્ય રીતે અહીં પરિવહન માટે કરતા હોય છે.