આમીરની નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’નું ટ્રેલર આઉટ

મુંબઈ, બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન ફરી એકવાર સ્ક્રીન પર વાપસી કરવા માટે તૈયાર છે. તેમની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ અને તેમના કરિયરની પહેલી સિક્વલ ‘સિતારે જમીન પર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
ટ્રેલરે ચાહકોને ફિલ્મ પ્રત્યે વધુ ઉત્સાહિત કર્યા છે. આ પહેલા નિર્માતાઓએ ‘સિતારે જમીન પર’નું પોસ્ટર રિલીઝ કર્યું હતું જેમાં આમિર ખાનનો પહેલો લુક જોવા મળ્યો હતો.‘સિતાર જમીન પર’ના ટ્રેલરમાં, આમિર ખાન એક ચીડિયા અને ઝઘડાળુ બાસ્કેટબોલ કોચની ભૂમિકામાં જોવા મળે છે.
જેમને ભૂલ પછી સજા તરીકે, અપંગ બાળકોને બાસ્કેટબોલ માટે તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવે છે. શરૂઆતમાં, આમિર તે બાળકોથી ગુસ્સે થાય છે પણ પછી તે પૂરા દિલથી તેમને બાસ્કેટબોલ સ્પર્ધા માટે તાલીમ આપે છે.
આમિર ખાન છેલ્લે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળ્યો હતો. ૨૦૨૨ માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. હવે, ‘સિતાર જમીન પર’ દ્વારા, આમિર ખાન ત્રણ વર્ષ પછી પડદા પર પાછા ફરવા જઈ રહ્યો છે.
આ ફિલ્મ ૨૦ જૂન ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં આવશે.‘સિતાર જમીન પર’ એક સ્પોટ્ર્સ ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન ફિલ્મ નિર્માતા આર એસ પ્રસન્ના દ્વારા કરવામાં આવ્યું છે. આ ૨૦૦૭ માં આવેલી ફિલ્મ ‘તારે જમીન પર’ ની સિક્વલ છે.
આમિર ખાનની ૩૦ વર્ષની કારકિર્દીમાં આ પહેલી સિક્વલ ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્માણ આમિર ખાન પોતે કરી રહ્યા છે. આ ફિલ્મમાં આમિર ખાન સાથે અભિનેત્રી જેનેલિયા દેશમુખ મુખ્ય અભિનેત્રીની ભૂમિકામાં જોવા મળશે.
આ સિવાય આરુષ દત્તા, ગોપી કૃષ્ણન વર્મા, વેદાંત શર્મા, નમન મિશ્રા, ઋષિ શહાની, ઋષભ જૈન, આશિષ પેંડસે, સંવિત દેસાઈ, સિમરન મંગેશકર, આયુષ ભણસાલી, ડોલી અહલુવાલિયા, ગુરપાલ સિંહ અને બ્રિજેન્દ્ર કાલા મહત્વની ભૂમિકામાં છે.SS1MS