કર્ણાવતી, ડબલ ડેકર સહિત ર૦૧ ટ્રેનની માહિતી હવે એક ક્લિક પર ઉપલબ્ધ થશે
QR કોડથી ટ્રેનની માહિતી મળશે-કયુઆર સ્કેનથી કાઉન્ટર ટિકિટ કેન્સલ પણ થશે
અમદાવાદ, સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.ર અને ૩ને ૬૦ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. એર કોનકોર્સ બનાવવા માટે બ્લોક કરવામાં આવ્યા છે. પ્લેટફોર્મ નં.ર પર આવનારી અપલાઈનની ૧રર મેઈલ એકસપ્રેસ અને પ્લેટફોર્મ ૧ પર આવનારી ૭૯ ટ્રેન સહિત કુલ ર૦૧ ટ્રેન ઉધના શિફટ કરી દેવામાં આવી છે.
અમદાવાદથી મુંબઈ તરફ જતી જેમાં કર્ણાવતી, ડબલ ડેકર સહિત ૧ર૦ ટ્રેન ઉધનાથી ઓપરેટ થશે. શિફટ થનારી ર૦૧ ટ્રેનની માહિતી મુસાફરોને સરળતાથી મળે તે માટે રેલવેએ ઉધના શિફટ કરાયેલી ટ્રેન માટે સ્પેશિયલ ક્યુઆર કોડ બનાવ્યો છે જે નેશનલ સિસ્ટમ સાથે લિંક હશે. આ કોડ ઉધના-સુરત સ્ટેશનના દરેક લોકેશન પર મૂકાશે. જેમાં સ્કેન કરતાં જ ટ્રેનની માહિતી મળી જશે.
જો રેલ મુસાફર વડોદરા-અમદાવાદ તરફ જવા માંગે છે તો વડોદરા તરફ વિકલ્પ પર ક્લિક કરી શકાશે. આ ક્લિક કરતા જ ઉધના સ્ટેશને શિફટ થયેલી તમામ ટ્રેનની માહિતી મળી જશે. ઉધના સ્ટેશનના કયા પ્લેટફોર્મ પરથી આ ટ્રેન ઉપડશે તે સહિતની તમામ માહિતી મળી રહેશે. કોડ સ્કેન કરતાં પેજ ખુલશે જેમાં ઉધના ખસેડાયેલી ટ્રેનની માહિતી હશે. આ ઉપરાંત ટ્રેન ફ્રોમ ઉધના ટ્રેન ઈન્કવાયરી પીએનઆર સ્ટેટસ અને કાઉન્ટર ટિકિટ કેન્સેલેશનના વિકલ્પ હશે.
કયુઆર સ્કેનથી કાઉન્ટર ટિકિટ કેન્સલ પણ થશે
સામાન્ય રીતે કાઉન્ટર ટિકિટ માત્ર કાઉન્ટર પરથી જ કેન્સલ કરી શકાય છે પરંતુ ઉધનામાં શિફટ થયેલી ટ્રેન માટે હવે મુસાફરને રાહત અપાઈ છે જેમાં કયુઆર કોડ સ્કેન કરતાં જ કાઉન્ટર ટિકિટ કેન્સલ કરવાનો વિકલ્પ પણ મળશે. જેના પર ક્લિક કરતાં જ ટિકિટ વિશેની માહિતી આપવી પડશે અને રિફંડ મુસાફરની સુવિધા માટે કાઉન્ટર પરથી જ મળી શકશે, જેથી ફોન દ્વારા જ ટિકિટ કેન્સલ પણ કરાવી શકાશે.