જિયોના મે મહિનામાં ગુજરાતમાં 1.92 લાખ ગ્રાહકો વધ્યા
નવી દિલ્હી, ગુજરાતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ વર્ષ 2022ના મે મહિનામાં રાજ્યમાં 1.92 લાખથી વધુ મોબાઈલ સબ્સ્ક્રાઈબર્સ મેળવ્યા હોવાથી માર્કેટમાં તેની સર્વોપરિતાને વધુ વિસ્તારી છે, તેમ ટ્રાઈના ડેટામાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મે 2022ના અંત સુધીમાં ગુજરાતમાં જિયોના કુલ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા વધીને 2.61 કરોડ થઈ છે અને તેનો બજાર હિસ્સો 38.74% થયો છે.
ટ્રાઈના સબસ્ક્રાઈબર ડેટા મુજબ, મે મહિનામાં ગુજરાતમાં મોબાઈલ ગ્રાહકોની કુલ સંખ્યા 88,850 વધીને 6.74 કરોડ થઈ છે. દેવાથી દબાયેલી વોડાફોન આઈડિયાએ પણ રાજ્યમાં 35.38%ના બજાર હિસ્સા સાથે કુલ 17,673 નવા ગ્રાહકો સાથે તેના કુલ ગ્રાહકોની સંખ્યા 2.38 કરોડ થઈ છે.
એરટેલ અને સરકારી ટેલિકોમ કંપની BSNLના સબસ્ક્રિપ્શન આંકડામાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુજરાતમાં મે 2022માં એરટેલની સબસ્ક્રિપ્શન સંખ્યામાં 95,473 અને BSNLની સંખ્યામાં 26,287નો ઘટાડો નોંધાયો હતો. મે 2022ના અંત સુધીમાં એરટેલ અને BSNLના ગ્રાહકોની કુલ સંખ્યા અનુક્રમે 17.64% અને 8.24%ના બજાર હિસ્સા સાથે અનુક્રમે 1.18 કરોડ અને 55.52 લાખ છે.
રાષ્ટ્રીય સ્તરે પણ જિયોએ વર્ષ 2022ના મે મહિનામાં 31 લાખથી વધુ મોબાઈલ સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા છે. એરટેલે મે મહિનામાં 10.27 લાખ સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા, જેનાથી તેના મોબાઇલ યુઝર્સની સંખ્યા 36.21 કરોડ થઈ હતી. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના માસિક સબસ્ક્રાઈબર ડેટા અનુસાર રિલાયન્સ જિયોએ 31.11 લાખ વાયરલેસ સબસ્ક્રાઈબર મેળવ્યા છે, જેનાથી મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 40.87 કરોડ થઈ ગઈ છે.
વોડાફોન આઈડિયાએ 7.59 લાખ વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા અને તે જ સમયગાળામાં તેના ગ્રાહકોની સંખ્યા ઘટીને 25.84 કરોડ થઈ ગઈ હતી. એપ્રિલમાં જિયોએ 16.8 લાખ વાયરલેસ ગ્રાહકો ઉમેર્યા હતા, જ્યારે ભારતી એરટેલ માટે મહિના દર મહિનાનો લાભ 8.16 લાખ ગ્રાહકોનો હતો. વોડાફોન આઈડિયાએ એપ્રિલ મહિના દરમિયાન લગભગ 15.7 લાખ ગ્રાહકો ગુમાવ્યા હતા.
મે મહિનામાં ભારતમાં ટેલિફોન સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા લગભગ 117 કરોડ રહી હતી, જે એપ્રિલ 2022ના અંતે 116.7 કરોડ હતી. “શહેરી ટેલિફોન સબસ્ક્રિપ્શન એપ્રિલ-22ના અંતે 646.99 મિલિયનથી વધીને 647.81 મિલિયન થઈ ગયું છે. મે-22 અને ગ્રામીણ સબ્સ્ક્રિપ્શન પણ સમાન સમયગાળા દરમિયાન 520.82 મિલિયનથી વધીને 522.92 મિલિયન થયું હતું,” તેમ ટ્રાઇએ જણાવ્યું હતું. મે 2022 ના મહિના દરમિયાન શહેરી અને ગ્રામીણ ટેલિફોન સબસ્ક્રિપ્શનનો માસિક વૃદ્ધિ દર અનુક્રમે 0.13% અને 0.4% હતો.
વાયરલેસ કનેક્શનની દૃષ્ટિએ સબસ્ક્રાઇબર બેઝ મેના અંતે 0.25%ની સાધારણ માસિક વૃદ્ધિ દર્શાવે છે, જે 114.5 કરોડ થયો છે. “શહેરી વિસ્તારોમાં વાયરલેસ સબ્સ્ક્રિપ્શન એપ્રિલ-22ના અંતે 623.78 મિલિયનથી વધીને મે-22ના અંતે 624.55 મિલિયન થયું હતું અને ગ્રામીણ વિસ્તારોમાં વાયરલેસ સબ્સ્ક્રિપ્શન પણ આ જ સમયગાળા દરમિયાન 518.88 મિલિયનથી વધીને 520.96 મિલિયન થયું હતું,” તેમ ડેટા જણાવે છે. 31 મે 2022ના રોજની સ્થિતિએ ખાનગી ઓપરેટરો વાયરલેસ સ્પેસમાં 89.9% બજાર હિસ્સો ધરાવે છે,
જ્યારે સરકારની માલિકીના ટેલિકોમ ઓપરેટર્સ BSNL અને MTNL પાસે માત્ર 10% બજાર હિસ્સો હતો. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ મે મહિનામાં 5.36 લાખ વાયરલેસ ગ્રાહકો ગુમાવ્યા હતા, જ્યારે મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL)ને ગ્રાહકની ખોટ 2,665 નડી હતી.
ભારતી એરટેલ પાસે 35.4 કરોડ સક્રિય વપરાશકર્તાઓ (અથવા તેના એકંદર વપરાશકર્તા આધારના 97.9%) હતા, જ્યારે રિલાયન્સ જિયો પાસે સક્રિય સબ્સ્ક્રાઇબર્સ 38.3 કરોડ (તેના એકંદર વાયરલેસ આધારના 93.7%) હતા. મે 2022ના અંતે કુલ બ્રોડબેન્ડ ગ્રાહકો વધીને 79.4 કરોડ થઈ ગયા હતા, જે એપ્રિલમાં 78.8 કરોડ હતા.
આમ તેમાં 0.75%નો માસિક વૃદ્ધિ દર કહી શકાય. “ટોચના પાંચ ઓપરેટરોએ મે 2022ના અંતે કુલ બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સમાં 98.48% બજાર હિસ્સો એકત્ર કર્યો હતો. આ ઓપરેટર્સમાં રિલાયન્સ જિયો ઇન્ફોકોમ (414.67 મિલિયન), ભારતી એરટેલ (217.09 મિલિયન), વોડાફોન આઇડિયા (123.24 મિલિયન), BSNL (25.52 મિલિયન)નો સમાવેશ થાય છે,” તેમ ટ્રાઇએ જણાવ્યું હતું.