પ્રેમજાળમાં ફસાવીને યુવકે મેડિકલનો અભ્યાસ કરતી યુવતીના રૂપિયા-દાગીના પડાવ્યા
એક યુવકે મેડિકલનો અભ્યાસ કરતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું -કંટાળેલી યુવતીએ બંને સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
સુરત, સુરતમાં છેલ્લા ઘણા સમયથી રેપની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે હવે એક યુવક દ્વારા મેડિકલનો અભ્યાસ કરતી યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ ૨૦૨૧થી સંપર્કમાં આવેલી યુવતીને સુરતના જિલ બવાસિયાએ પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી
અને સરથાણા ખાતે દુકાનમાં બોલાવીને રેપ કર્યો હતો. આ સાથે જ તેણે અંગત પળોના ફોટો અને વિડીયો પણ ઉતારી લીધા હતા. જેના આધારે જિલે બાદમાં યુવતીને બ્લેકમેલ કરીને વારંવાર રેપ કરીને એવી ધમકી આપી હતી કે, ૭ લાખ રૂપિયા નહીં આપે તો તેના માતા-પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી દેવામાં આવશે.
પરિવાર ઠપકો આપશે તેવા ડરથી યુવતીએ ૭ લાખ રૂપિયા આપીને દીધા. ત્યારબાદ પણ જિલે યુવતીનું શારીરિક શોષણ ચાલુ રાખ્યુ અને તેની મજબૂરીનો લાભ ઉઠાવીને ૮ તોલા સોનું પણ પડાવી લીધું હતું. ત્યારબાદ જિલે યુવતીને પોતાના મિત્ર ફેનિલ દેસાઈને સોંપી હતી.
આ શખસ દ્વારા યુવતીને એવું કહેવામાં આવ્યું હતું કે, જિલ બવાસિયાને મેં રૂપિયા આપ્યા છે. જે રૂપિયા તારે આપવા પડશે, નહીંતર જિલ અને તારા ન્યૂડ ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી હતી. આમ બ્લેકમેલ કરીને ફેનિલે પણ યુવતી પાસે પહેલા ૪૦ હજાર પડાવ્યા હતા અને બાદમાં પણ વધુ માંગણી કરતા યુવતીએ માસીના ઘરેથી દાગીનાની ચોરી કરી હતી.
અંતે કંટાળેલી યુવતીએ બંને સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી જિલ બવાસીયા અને ફેનિલ બંને મિત્રો છે અને બંનેએ હાલમાં જ બી-ટેકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને વધુ સ્ટડીમાં માટે વિદેશ જવાની તૈયારીમાં હતા.