Western Times News

Gujarati News

ટ્રાવેલ એજન્ટે ડોક્ટરને ૬.૧૭ લાખનો ચૂનો ચોપડ્યો

રાજકોટ, આજકાલ ઓનલાઈન ઠગાઈના કિસ્સાના ખૂબ વધી ગયા છે. હાલમાં જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સુરેન્દ્રનગરના બાળ રોગ નિષ્ણાંતે કેનેડાની ફ્લાઈટ ટિકિટ બુક કરાવવાના ચક્કરમાં ૬.૧૭ લાખ રૂપિયા ગુમાવ્યા છે. સુરેન્દ્રનગરમાં બાળકોની હોસ્પિટલ ચલાવતા ડૉ. મયંક દોશીએ પંજાબના મોહાલી જિલ્લામાં રહેતા રાહુલ ચઢ્ઢા સામે FIR નોંધાવી છે. Travel agent cheated doctor of 6.17 lakhs

રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૪૦૬ અને ૪૨૦ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડૉ. દોશીની ફરિયાદ પ્રમાણે, કેનેડાના વિઝા આવી ગયા હોવાથી તેમણે પત્ની અને દીકરી સાથે ત્યાં જવાનો પ્લાન બનાવ્યો હતો. તેઓ ૨૩ મેના રોજ જવાના હતા અને ૩૦ જૂને પાછા ફરવાનું આયોજન કર્યું હતું.

જેથી માર્ચ મહિનામાં જ તેઓ ઓનલાઈન ટિકિટ બુક કરાવવા માટે વિકલ્પો શોધી રહ્યા હતા. એ દરમિયાન તેમનો સંપર્ક ‘હોલિડે મશીન પ્રાઈવેટ લિમિટેડ’ નામની ટ્રાવેલ એજન્સી સાથે થયો હતો. આ કંપનીનું એડ્રેસ પંજાબના મોહાલીનું હતું. ડૉ. દોશીએ આ એજન્સીનો સંપર્ક કરતાં રાહુલ ચઢ્ઢાએ પોતાની ઓળખ ટ્રાવેલ એજન્સીના કર્મચારી તરીકે આપી હતી.

ટ્રાવેલ એજન્ટની જેમ જ વાત કરતાં રાહુલ ચઢ્ઢાએ કહ્યું કે, તે એર ઈન્ડિયા એરલાઈનમાં કેનેડાની આવવા-જવાની ત્રણ ટિકિટ ૬.૧૭ લાખ રૂપિયામાં બુક કરી આપશે. જેથી ડૉ. દોશીએ તેને ટિકિટ બુક કરવાનું કહ્યું અને ટ્રાવેલ એજન્સીના અકાઉન્ટમાં RTGS દ્વારા ૬.૧૭ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

જે બાદ રાહુલ ચઢ્ઢાએ ૧૪ માર્ચના રોજ ડૉ. દોશીને PNR નંબર સાથેની ટિકિટ વોટ્‌સએપ પર મોકલી હતી. આપણે પ્રવાસે જવાનું હોય તો થોડા દિવસો પહેલાથી જ બધી તૈયારી અને ટિકિટ બુકિંગ યોગ્ય રીતે થયા છે કે નહીં તે ચેક કરી લેતા હોઈએ છીએ.

ડૉ. દોશીએ પણ ટ્રીપના એક મહિના પહેલા એરલાઈનની ઓફિશિયલ વેબસાઈટ પર પીએનઆર નંબર નાખીને ટિકિટ ચેક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ધ્રાસકો પડ્યો.

પીએનઆર નંબરવાળી ટિકિટ વેબસાઈટ પર દેખાતી જ નહોતી. જેથી ડૉ. દોશીએ ટ્રાવેલ એજન્ટ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા. વિઝા આવી ગયા હતા એટલે ડૉ. દોશી અને તેમના પરિવારે અન્ય એજન્ટ દ્વારા ટિકિટ બુક કરાવી અને કેનેડાથી આવ્યા પછી તેમણે પોલીસ સમક્ષ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.