Western Times News

Gujarati News

TRB-પોલીસે ૯ લાખ પેટ્રોલપંપ માલિકના ખાતામાં જમા કરાવ્યા

અમદાવાદ, TRB અને પોલીસ દ્વારા વાહનચાલકોને ડરાવીને તેમની પાસેથી તોડ કરવામાં આવતો હોવાના કિસ્સા સામે આવ્યા બાદ આ મામલો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચી ગયો હતો. હવે આ મામલે તપાસ કરતા લાખોના તોડની વિગતો સામે આવી રહી છે.

બહારથી આવતા લોકોને રોકીને તેમની પાસેથી તોડ કરવા માટે નવી ટેક્નિકનો ઉપયોગ કરતા હોવાનું સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ટીઆરબી અને પોલીસ દ્વારા જાે કોઈ પાસે રોકડ ના હોય તો તેમના રૂપિયા કાર્ડ અને ગૂગલ પે દ્વારા પેટ્રોલ પંપ પરથી ઉઘરાવીને કાળા કામના વ્હાઈટ રૂપિયા સેરવી લેવામાં આવતા હતા.

આ મામલે અગાઉ ઘણાં કિસ્સા બન્યા કે જેમાં વાહનચાલકો પોલીસના ડરથી બચવા માટે રકઝક કર્યા બાદ રૂપિયા આપવા માટે તૈયાર થઈ જતા હતા.

જેમાં પેટ્રોલ પંપ પર તોડના ૯ લાખ રૂપયા જમા કરાવ્યા હોવાનું ખુલ્યું છે. શહેરના જી ડિવિઝન ટ્રાફિક પોલીસમાં તોડ કરીને લાખોની રકમ એકઠી કરાઈ હોવાની વાત ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચતા આ અંગે તપાસ કરાવવામાં આવી અને તેમાં મોટા ખુલાસા થયા છે.

મળતી વિગતો પ્રમાણે જાે કોઈ વાહન રાજ્ય બહારનું હોય તો તેને અટકાવીને તપાસ કર્યા બાદ કેસ કરી દેવાની ધમકી આપવામાં આવતી હતી. આ ધમકી બાદ જાે કોઈની પાસે રોકડા રૂપિયા ના હોય તો તેમને પેટ્રોલપંપ પર લઈ જઈને ઓનલાઈન પેમેન્ટ કે કાર્ડ સ્વાઈપ કરીને રૂપિયા પડાવવામાં આવતા હતા.

આઈ ડિવિઝનમાંથી બદલી કરાવીને જી ડિવિઝનમાં આવેલી બે ટીઆરબી, એક એએસઆઈની ટોળકી તોડ કરવામાં એક્સપર્ટ બની ગઈ હતી. આ ટોળકી વાહનની તપાસ કરે અને તેમાંથી દારુ કે નશા માટે ઉપયોગમાં લેતી ગાંજા સહિતની વસ્તુઓ મળે તો મોટો તોડ કરવામાં આવતો હતો.

જાે કોઈ વ્યક્તિ પાસે રોકડા રૂપિયા ના હોય તો પણ તેને ડરાવીને કાર્ડ કે ઓનલાઈન પેમેન્ટ દ્વારા રૂપિયા પડાવવામાં આવતા હતા. આ રૂપિયા પેટ્રોલપંપના ખાતામાં જમા કરવા માટે કહેવામાં આવતું હતું. જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને લાખોના તોડની વાત પહોંચી તો પેટ્રોલપંપના માલિકના બેંક અકાઉન્ટ સહિતની વિગતો ચકાસવામાં આવી તો બે મહિનામાં જ ૯ લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું.

આ જાેઈને પોલીસને પણ આશ્ચર્ય થયું હતું. કેટલાક વાહનોમાં તોડ કરતી ટોળકી દ્વારા જ ચેકિંગના બહાને દારુની બોટલ સેરવી દેવામાં આવતી હોવાનું પણ રિપોર્ટમાં પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

વાહન ડીટેઈન કરવાની, વ્યક્તિ સામે પોલીસ કેસ કરવાની વગેરે જેવી ધમકીથી ડરી જતા લોકો રૂપિયા આપીને છૂટવા માટે તૈયાર થઈ જતા હતા. આવામાં પછી ટોળકી દ્વારા ઊંચો તોડ કરીને વ્યક્તિને છોડી દેવામાં આવતી હતી. તાજેતરમાં TRB અને પોલીસ કોન્સ્ટેબલ સામે તોડ કરવાની ફરિયાદમાં બેની ધરપકડ કરવામાં આવી હતી.

જેમાં એક વ્યક્તને દારુના નશામાં હોવાનું કહીને ૬૦ હજારની માગણી કર્યા બાદ એટીએમથી ૩૦,૫૦૦ રૂપિયા ઉપડાવી લીધા હતા. જાેકે, ભોગ બનનારે કંટ્રોલ રૂમમાં મેસેજ અને પોલીસ કમિશનરને ઈમેલથી ફરિયાદ કરતા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને પોલીસ કોન્સ્ટેબલ રોહિત સોલંકી અને ટીઆરબી જવાન વિજય તળપદાની ધરપકડ કરવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.