Western Times News

Gujarati News

છેલ્લાં ત્રણ વર્ષમાં ૭૦ લાખથી વધુ વૃક્ષોનું અમદાવાદ શહેરમાં વૃક્ષોરોપણ

AMCએ આ વર્ષમાં સમગ્ર શહેરમાં 40 લાખ  વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

70 લાખથી વધુ વૃક્ષોના વાવેતર અને જળ સંચય માટે વોટર બોર્ડિંઝના વધારાથી અમદાવાદ ગ્લોબલ વોર્મિંગ સામે લડનારા મુખ્ય શહેરોમાંનું એક શહેર બન્યું

ધરતી માતાનું સ્વાસ્થ્ય જાળવવા સાથે આવનારી પેઢીના સુરક્ષિત ભાવિ માટે ‘એક પેડ મા કે નામ’ના વડાપ્રધાનશ્રીના આહવાનને ઝીલી લેવા ગુજરાત સજજ છે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Ø  અમદાવાદ માં  મહા નગર પાલિકા એ 2020-21 થી 2024-25 વચ્ચે 93 લાખ વૃક્ષો વાવ્યા :

Ø  અમદાવાદ શહેરના કુલ વિસ્તારના 12.5 ટકા વૃક્ષ આવરણ

Ø  વ્યક્તિ દીઠ ગ્રીન કવર 8.4 ચોરસ કિલોમીટર થયું છે.

Ø  શહેરના 48માંથી 41 વોર્ડમાં  વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધ્યો

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શહેરી વિકાસ વર્ષ 2025માં રાજ્યના મહાનગરોમાં 100થી વધુ અર્બન ફોરેસ્ટ નિર્માણનું આયોજન

‘એક પેડ મા કે નામ’ અંતર્ગત રાજ્યના શહેરી વિસ્તારમાં આગામી ચોમાસા પહેલા 50 લાખથી વધુ વૃક્ષો વવાશે.

નવી ટાઉન પ્લાનિંગ સ્કીમમાં એક ટકા જમીન અર્બન ફોરેસ્ટ માટે અનામત રાખવાનું ફરજિયાત

અમદાવાદ મહાનગરે 70 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને સાબરમતી રીવર ફ્રન્ટ ના પરિણામે તથા કાંકરીયા સહિતના તળાવોના પુનઃ નિર્માણ દ્વારા જળસંચય- સંગ્રહ તથા ગ્રીન કવરમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતના તારીખ 27 એપ્રિલના એપિસોડમાં અમદાવાદ મહાનગરની આ નોંધપાત્ર કામગીરીની પ્રશંસા કરી હતી.

વૃક્ષાચ્છાદિત આવરણ વધતા અને જળસંગ્રહ ક્ષમતા માટેના ઉપાયો હાથ ધરાતા અમદાવાદ ગ્લોબલ વોર્મિંગ સામે લડનારા મુખ્ય શહેરોમાંનું એક શહેર બન્યું છે એમ પણ પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

 

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીએ કરેલી આ પ્રશંસા અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય માટે ‘એક પેડ મા કે નામ’ ના આહવાનને જીલી લેવાની નવી પ્રેરણા પૂરી પાડશે તેમ જણાવ્યું હતું.

‘એક પેડ મા કે નામ’ અને ‘કેચ ધ રેઈન’ જેવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સંકલ્પો પાર પાડવા ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં સંપૂર્ણ સજ્જ છે.

રાજ્યના શહેરો નગરોના સર્વગ્રાહી વિકાસની નેમ સાથે આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવીને પર્યાવરણપ્રિય અને સાતત્યપૂર્ણ વિકાસ માટે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે સંગીન આયોજન કર્યું છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં શહેરી વિકાસ વિભાગે ગ્રીન કવર વધારવાના ઉદેશ્યો સાથેના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ   કર્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકાએ ‘કેચ ધ રેઇન’ અન્વયે રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે પરકોલેટિંગ વેલ, ખંભાતી કુવા તથા જળસંચયના જે કામો જનભાગીદારીથી મોટા પાયે હાથ ધર્યા છે તે પ્રોજેક્ટને રાજ્ય વ્યાપી બનાવવા માટે કેચ ધ રેઇન માટે રૂ.200 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.

આ ઉપરાંત જળસંચયના ભાગરૂપે રાજ્યના મોટા મહાનગરોના તળાવનું ઈન્ટર લિંકિંગ કરવાનું આયોજન પણ આ શહેરી વિકાસ વર્ષમાં કરાયું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધરતી માતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા સાથે આવનારી પેઢીના ભાવિની સુરક્ષા હેતુસર ક્લાઇમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા વધુને વધુ વૃક્ષો ‘એક પેડ માં કે નામ’ અભિયાનથી  વાવવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે.

ગુજરાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી  ચોમાસા પહેલા આ અભિયાન રાજ્યભરમાં હાથ ધરીને 50 લાખથી વધુ વૃક્ષો શહેરી વિસ્તારોમાં વાવવાનું નક્કી કર્યું છે.

આ ઉપરાંત શહેરી વિકાસ વર્ષ 2025 અન્વયે રાજ્યના મહાનગરોમાં એક હેક્ટરથી વધુ વિસ્તાર અને 40,000થી વધુ વૃક્ષો વાવી શકાય તે રીતે 100થી વધુ અર્બન ફોરેસ્ટ ઊભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમમાં એક ટકા જમીન અર્બન ફોરેસ્ટ માટે અનામત રાખવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. તેમજ જે નગરપાલિકાઓમાં એક પણ બગીચો ન હતા તેવી 38 નગરપાલિકાઓમાં બગીચાઓના નિર્માણનું આયોજન કર્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન અને દ્રષ્ટિવંત નેતૃત્વમાં અમદાવાદ મહાનગરપાલિકાએ પણ ગ્રીન કવર વધારવામાં અનેક સિદ્ધિઓ મેળવી છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ સંદર્ભે આપવામાં આવેલી વિગતો અનુસાર અમદાવાદમાં 2020-21થી 2024-25 વચ્ચે 93 લાખથી અધિક વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં 70 લાખ વૃક્ષોનો સમાવેશ થાય છે.

મિશન મિલિયન ટ્રીઝ ઝુંબેશ અમદાવાદમાં શરૂ  કરીને નાગરિકોની સહભાગીતાથી સઘન વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. પાછલા પાંચ વર્ષમાં 260થી વધુ અર્બન ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્ક અમદાવાદમાં ડેવલપ થયા છે.

આ બધાના પરિણામે 2023 સુધી સરેરાશ વૃક્ષ અસ્તિત્વ દર ૬ ટકા હતો તે 2024માં 8.4% થયો છે. ‘એક પેડ મા કે નામ’ જેવા અભિયાનને પરિણામે અમદાવાદનું હાલનું વૃક્ષ આવરણ 60 ચોરસ કિલોમીટર છે જે શહેરના કુલ વિસ્તારના 12.5 ટકા જેટલું થયું છે.

અમદાવાદ મહાનગરપાલિકાના આ સંકલિત પ્રયાસોને પરિણામે વ્યક્તિદીઠ ગ્રીન કવર 2021માં 6.8 ચોરસ કિલોમીટરથી વધીને 2024માં 8.4 થયું છે. આ ઉપરાંત મહાનગરપાલિકાના 48 વોર્ડમાંથી 41વોર્ડમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારોમાં પણ વધારો થયો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં શહેરી વિકાસ વિભાગ શહેરી વિકાસ વર્ષમાં નગરોના ગ્રીન કવર એરિયામાં વધારો કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

અમદાવાદ મહાનગરપાલિકાએ આ વર્ષમાં સમગ્ર શહેરમાં 40 લાખ  વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ મહાનગરમાં વૃક્ષાચ્છાદિત વિસ્તાર અને જળસંચયના કામોની કરેલી સરાહના આ માટે સમગ્ર રાજ્યનું પ્રોત્સાહન કરનારી બની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.