વડોદરા શહેર-જિલ્લાના ૧૦ બૂથમાં મતદાન પૂર્વે થશે વૃક્ષારોપણ
વિધાનસભાની બેઠકો દીઠ એક બૂથને ઇકોફ્રેન્ડલી મતદાન મથકનું સ્વરૂપ આપવામાં આવશે
(માહિતી) વડોદરા, ગુજરાત વિધાનસભાની આ સમાન્ય ચૂંટણીમાં સર્વપ્રથમ વખત ભારતના ચૂંટણી પંચ દ્વારા ઇકો ફ્રેન્ડલી મતદાન મથકની વિભાવના અમલમાં મૂકવામાં આવી છે. વડોદરા શહેર અને જિલ્લાના ૧૦ મતદાન મથકોને પર્યાવરણ મિત્ર બનાવવામાં આવ્યા છે. આ પૂર્વે ગોવા વિધાનસભા ચૂંટણીમાં આવો પ્રયોગ થયો હતો. કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ અને પ્રકૃતિની રક્ષા કરવાના સંદેશો આપવાના હેતુંથી ભારતના ચૂંટણી પંત દ્વારા ઇકોફ્રેન્ડલી પોલિંગ સ્ટેશન બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. તે મુજબ વડોદરા શહેર અને જિલ્લામાં કુલ ૧૦ બેઠકોના એક-એક એમ ૧૦ બૂથને પર્યાવરણમિત્ર બનાવવામાં આવ્યા છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અતુલ ગોરે જણાવ્યું કે, સાવલીમાં રાસાવાડી પ્રાથમિક શાળા, વાઘોડિયામાં ઇંટોલી પ્રાથમિક શાળા, ડભોઇમાં બાલવાડી, ઢાલનગર વસાહત પ્રાથમિક શાળા, વડોદરા શહેર બેઠકમાં કેન્દ્રીય વિદ્યાલય સમાસાવલી રોડ, સયાજીગંજમાં બેંજામિન વર્લ્ડ સ્કૂલ, ગોત્રી, અકોટામાં ટ્રી હાઉસ હાઇસ્કૂલ અટલાદરા, રાવપૂરામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, કારેલીબાગ, માંજલપૂરમાં મદદનીશ પશુપાલન નિયામકની કચેરી, પાદરામાં નવાપૂરા (મહુવડ) પ્રાથમિક શાળા, કરજણ બેઠકમાં બામણગામ પ્રાથમિક શાળા ખાતે આવા બૂથ બનાવવામાં આવ્યા છે.
વડોદરા ચૂંટણી તંત્રની પહેલના ભાગરૂપે આ મતદાન મથકો ઉપર મતદાન શરૂ થાય એ પૂર્વે પોલિંગ સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ થાય એવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મતદાન મથકમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો લઘુત્તમ ઉપયોગ થાય તેની પણ તકેદારી રાખવામાં આવી છે. તદ્દઉપરાંત, કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર સૌ પ્રથમ વાર યુવા મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. આવું એક મતદાન મથક શહેરની સયાજીગંજ બેઠકમાં બરોડા હાઇસ્કૂલ, અલકાપૂરી ખાતે ઉભું કરવામાં આવશે. અહીં મતદાન પ્રક્રીયાનું સંપૂર્ણ સંચાલન યુવાકર્મયોગીઓ દ્વારા થશે. જેમની ઉંમર ૧૮ થી ૨૯ વર્ષની હશે.