Western Times News

Gujarati News

વૃક્ષ ગણતરી કરનારી એજન્સીને ડેટા અપલોડ કરવા ૮ લાખ વધુ ચૂકવાશે

ડેટા અપલોડ કરવા માટેની જરૂરી ટેકનિકલ વ્યવસ્થા મ્યુનિ. તંત્ર કરશે

શહેરમાં દર ચોમાસામાં લાખો વૃક્ષો વાવ્યાનાં દાવા કરવામાં આવે છે, તેમ છતાં શહેરનું તાપમાન સતત વધી રહ્યું છે

અમદાવાદ,
શહેરમાં વૃક્ષોની સંખ્યા વધી કે ઘટી તેની મહત્વપૂર્ણ જાણકારી મેળવવા માટે વૃક્ષ ગણતરીની કામગીરી ખાનગી એજન્સીને સોંપ્યા બાદ હવે તેનો ડેટા અપલોડ કરવા માટે મ્યુનિ. ખાનગી એજન્સીને વધારાનાં આઠ લાખ ચૂકવશે.શહેરમાં દર ચોમાસામાં લાખો વૃક્ષો વાવ્યાનાં દાવા કરવામાં આવે છે, તેમ છતાં શહેરનું તાપમાન સતત વધી રહ્યું છે. નાગરિકોને આઠ મહિના ગરમી સહન કરવાનો વારો આવી રહ્યો છે. તેથી મ્યુનિ. બગીચા ખાતાએ ઉપરથી આવેલી સૂચના મુજબ શહેરમાં કયા કયા વિસ્તારોમાં કેટલાં નાના-મોટા વૃક્ષો હયાત છે તેની ગણતરી કરાવવા ટેન્ડર બહાર પાડ્યા હતા. બગીચા ખાતાએ બહાર પાડેલાં ટેન્ડરમાં સાર આઇટી રિસોર્સિસ પ્રા.લિ.નામની કંપનીને વૃક્ષ ગણતરીનો કોન્ટ્રાક્ટ અપાયો હતો.આ કોન્ટ્રાક્ટ અપાયા બાદ એજન્સી દ્વારા મ્યુનિ.ની વેબસાઇટ ઉપર ડેટા અપલોડ કરવા જરૂરી સુવિધા પૂરી પાડવા માટે માગણી કરવામાં આવી હતી.

તેનાં અનુસંધાને બગીચા ખાતાનો હવાલો સંભાળતાં ડે.કમિશનરે રિવરળન્ટ હાઉસ ખાતે બગીચા ખાતાનાં અધિકારીઓ તથા ખાનગી એજન્સી સાથે મીટિંગ યોજી હતી. જેમાં એજન્સીનાં પત્રમાં સૂચના મુજબની માગણી ગ્રાહ્ય ન રાખતાં મૌખિક સૂચના આપીને જરૂરી સુધારા સાથે દરખાસ્ત રજૂ કરવા જાણ કરવામાં આવી હતી. તેનાં જવાબમાં ખાનગી એજન્સીએ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા મ્યુનિ. દ્વારા પૂરી પાડવાની થાય તેવો પત્ર પાઠવ્યો હતો.દરમિયાનમાં રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો અને વૃક્ષ ગણતરી અભિયાનનો પ્રારંભ મુખ્યમંત્રીનાં હસ્તે થવાનો હોઇ મ્યુનિ.નાં ડે.કમિશનરે ઇ-ગવર્નન્સ વિભાગનો હવાલો સંભાળતાં સિનિયર આસિ.કમિશનરને જરૂરી કાર્યવાહી કરવા સૂચના પાઠવી હતી.

તેનાં પગલે મ્યુનિ.ઇ-ગવર્નન્સ વિભાગે વૃક્ષ ગણતરી કરનારી ખાનગી એજન્સીને જરૂરી ટેકનિકલ વ્યવસ્થા પૂરી પાડવાની હા ભણી હતી.વૃક્ષ ગણતરી માટે બહાર પાડવામાં આવેલાં ટેન્ડરની જોગવાઇ મુજબ વૃક્ષ ગણતરીનાં ડેટા મ્યુનિ.નાં સર્વર ઉપર અપલોડ કરવા માટે ક્વોટેશન બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં વૃક્ષ ગણતરી કરવાનો કોન્ટ્રાક્ટ મેળવનારી એજન્સી સહિત ત્રણ એજન્સીઓ પાસેથી ક્વોટેશન મેળવવામાં આવ્યા હતા. જેમાં વૃક્ષ ગણતરી કરનારી એજન્સીનાં ભાવ ઓછા જણાતાં તેને કામ સોંપવામાં આવ્યું છે. જેના માટે આઠ લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.