૨૦૨૬ સુધીમાં સુરતથી બિલિમોરા બૂલેટ ટ્રેનની ટ્રાયલ શરૂ કરાશે
ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી અગાઉ બુલેટ ટ્રેનનું ટ્રાયલ શરૂ થઇ જાય તેવી પૂરી સંભાવના છે. ઓગસ્ટ ૨૦૨૬માં સુરતથી બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનું ટ્રાયલ શરૂ કરવામાં આવી શકે છે.
બજેટ અંગે માહિતી આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ‘હાલમાં સાબરમતીથી મુંબઈ સુધી ટ્રેકની કામગીરી ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં પણ જમીન સંપાદનની કામગીરી હવે પૂર્ણ થઈ જતા ત્યાં પણ પ્રોજેક્ટ માટે જરૂરી મંજૂરી મળી ગઈ છે. તેની સાથે જ ૨૧ કિલોમીટર લાંબી ટનલ બનાવવાની કામગીરી તેમજ સ્ટેશનોની કામગીરી પણ ઝડપથી કરાઇ રહી છે.
હાલમાં ૨૮૦ કિલોમીટર લાંબા ટ્રેકની કામગીરી પૂર્ણ કરી દેવા છે અને દર મહિના ૧૩ થી ૧૪ કિલોમીટરની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. ‘ આ સાથે તેમણે ઉમેર્યું કે, ૨૦૦૯ થી ૨૦૧૪ વચ્ચે ગુજરાતને સરેરાશ ૫૮૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવતા હતા. પરંતુ હાલની સરકારે આ વખતે ગુજરાત માટે ૮૫૮૭ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
હાલમાં ગુજરાતમાં ૭૦૧ કિલોમીટર રૂટ પર નવી લાઈન તેમજ ગેજ કન્વર્ઝનની કામગીરી ચાલી રહી છે. ગુજરાતમાં ઈલેક્ટ્રીફિકેશનની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે અને હાલમાં લગભગ ૯૭ ટકા ટ્રેકનું ઈલેક્ટ્રીફિકેશન કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, સોમનાથ સહિત ૮૭ સ્ટેશનો રિડેવલપ કરવામાં આવશે.
જેમાં હાલ સુરત, વડોદરા, સોમનાથ સ્ટેશનના ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે જ્યારે અમદાવાદ સ્ટેશન પર ઓફિસોની શિફ્ટીંગ ચાલૂ છે અને આગામી દિવસોમાં ડેવલપમેન્ટ કામગીરી શરૂ કરવામાં આવશે.’ SS2SS