તમારો નૈતિક અભિગમ જીવનમાં સફળતા નક્કી કરે છેઃ પૂ. જ્ઞાનવત્સલ સ્વામી
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં 22 ડિસેમ્બર, ગુરુવારે યોજાયેલ કોન્ફરન્સમાં વક્તવ્યોના અંશો
નેશનલ એસોસિએશન ઓફ રિયલ્ટર્સ, ભારત (NAR) આયોજક: અમદાવાદ રિયલ્ટર્સ એસોસિએશન સમીર અરોરા, (President, NAR) એ પ્રવચનમાં જણાવ્યુ કે, “જેવી રીતે સમુદ્રની આગળ માનવને પોતાની અલ્પતાનું જ્ઞાન થાય છે તેમ મેં ભલે રિયલ્ટર્સની અનેક પરિષદોમાં ભાગ લીધો છે, પરંતુ પ્રમુખસ્વામી મહારાજ નગરની ભવ્યતાને નિહાળ્યા પછી મને અલ્પતાની પ્રતીતિ થાય છે. જેવી રીતે BAPS સંસ્થા સ્વયંસેવી સંસ્થા છે તેવી જ રીતે NAR સંસ્થા પણ સ્વયંસેવાની ભાવનાથી પ્રેરિત છે.”
ડૉ રાધાકૃષ્ણન પિલ્લાઈ “હું જ્યારે MBA કરી રહ્યો હતો ત્યારે ૧૯૯૫ માં પ્રમુખસ્વામી મહારાજના અમૃત મહોત્સવના ઉત્સવમાં મને BAPS સંસ્થાનો સર્વપ્રથમ પરિચય થયો. આજે ૧૦૦ વર્ષની ઉજવણીમાં તેથી પણ વધુ ભવ્યતા છે. દયા, પવિત્રતા અને દિવ્યતા આ સ્થાનમાં વ્યાપી રહી છે, જેને બાહ્યદૃષ્ટિથી સમજી શકાય તેમ નથી.
એક શિક્ષક તરીકે હું ૧૦૦ માંથી ૪૦૦ માર્કસ આપું! ફક્ત મારી વાત સાંભળીને નહીં પરંતુ અહી આવીને અનુભવ કરવા જેવો છે. ઇમારત હોય કે મંદિર, શ્રેષ્ઠ ગુણવત્તાનું હોવું જોઈએ. એવી ઇમારત બાંધો કે ૨૦૦૦ વર્ષ પછી પણ લોકો યાદ કરે. આપણે કેવી રીતે વિચારવું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ શરીરને આપણે છોડીએ એ પહેલાં ભારતને મહાન બનાવવો તે આપણી જવાબદારી છે. ”
શ્રી શિવકુમાર (President Elect, NAR) “વિશ્વનો પ્રત્યેક માનવી એક વૈશ્વિક નાગરિક છે અને મારો બંધુ છે. BAPS સંસ્થા પણ આ જ સિદ્ધાંતને વરેલી છે.”
શ્રી હર્ષવર્ધન જૈન “ પ્રમુખસ્વામી મહારાજ નગરના આ પવિત્ર સ્થાન પર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મળ્યું તેને હું મારુ સદભાગ્ય માનું છું. મહંતસ્વામી મહારાજનાં દર્શને તેમના મુખ પર અનેરી આધ્યાત્મિક આભાનો મેં અનુભવ કર્યો. વિલફ્રેડ પરેટો ના ૮૦%-૨૦% નિયમ અનુસાર આપણે એવા ૨૦% કાર્યો પર ધ્યાન અને શક્તિ કેન્દ્રિત કરવા જોઈએ જેમાંથી મહત્તમ સફળતા મળે. “
પૂ. જ્ઞાનવત્સલ સ્વામી “તમારો નૈતિક અભિગમ જીવનમાં સફળતા નક્કી કરે છે. વ્યક્તિએ પોતાનાં જીવનમાં સંબંધોમાં થોડી બાંધછોડ કરી વિશાળ હ્રદય રાખીને વ્યસન્મુક્ત જીવન જીવવું જોઈએ. પ્રમુખસ્વામી મહારાજ નગરની દર્શન યાત્રા આપને આ અભિગમ દ્રઢ કરવામાં મદદ કરશે.”
૨. અકેડેમિક કોન્ફરન્સ The Role of Saints in the Empowerment of Scheduled Tribes આયોજક: સેન્ટર ફોર સિવિલાઈઝેશનલ સ્ટડીઝ, દિલ્લી, વનવાસી કલ્યાણ આશ્રમ, BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ન્યુ દિલ્લી
સેન્ટર ઓફ સિવિલાઈઝેશનલ સ્ટડીઝના ડિરેક્ટર શ્રી રવિ શંકરે જણાવ્યું આ સમગ્ર આયોજનમાં લાગેલા પુરુષાર્થ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો હતો.
આદિવાસી પરંપરાઓ અને દંતકથાઓ વિષે અનેક પુસ્તકો લખનાર એવા સુવિખ્યાત શ્રી ભગવાનદાસ પટેલે પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે આદિવાસીઓના ઉત્કર્ષકાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
નેશનલ કમિશન ઓફ શિડ્યુલ્ડ ટ્રાઈબ્સના ચેરમેન શ્રી હર્ષ ચૌહાણે જણાવ્યું, “ફક્ત માહિતી પૂરતી નથી, પરંતુ અનુભવ જરૂરી છે. સંત સમાજ ભેદભાવોને ઓગાળવામાં મદદ કરી શકશે. આદિવાસીઓ પણ આપણા જ ભાઈઓ છે, આ ભાવના કેળવીને તેમને અપનાવવાના છે. હું આશાવાદી છું કે આપણે આ દિશામાં આગળ વધી શકીશું.”
વનવાસી કલ્યાણ આશ્રમના પ્રમુખ શ્રી રામચંદ્ર ખરાડીએ જણાવ્યું, “ જન-જાતિ સમાજ પહેલેથી ભારતીય સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રમુખસ્વામી મહારાજ એક એવા સંત હતા જેઓ સતત અનુસૂચિત જનજાતિઓના ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ રહ્યા. આવા કાર્યમાં સમાજને જાગૃત અને શિક્ષિત કરવા સંત સમાજની મહત્વની ભૂમિકા છે.
આપણે જાતિના ભેદ ભુલાવીને રાષ્ટ્રના ઉત્થાન માટે સામૂહિક રીતે આગળ આવવું પડશે. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા આપવામાં આવેલ ઘરસભાનો સંદેશ ખૂબ અગત્યનો છે. આપણે જે પણ કંઈ વાંચીએ, વિચારીએ, લખીએ તે કેવળ પાશ્ચાત્ય વિચારથી પ્રભાવિત ન હોય તે અગત્યનું છે.”
પ્રસ્થાનત્રયી ભાષ્યના સર્જક મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી દ્વારા જણાવવામાં કહ્યું, “પ્રમુખસ્વામી મહારાજ સહજ અને સરળ હતા. આદિવાસીઓએ પ્રમુખસ્વામી મહારાજને જે પણ ધર્યું તે સર્વે પ્રેમથી આરોગ્યું. કપરી પરિસ્થિતિમાં જીવતા આદિવાસીઓને જોઈને પ્રમુખસ્વામી મહારાજની આંખો કરુણાથી છલકાઈ ઉઠતી. એ પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ જ હતો જે તેમને આદિવાસી સમાજની મદદ કરવા દોરી ગયો.”
BAPS ના પૂ. જ્ઞાનનયન સ્વામીએ જણાવ્યું, “૧૭ વર્ષ પહેલાં વલસાડમાં એક આદિવાસી ડ્રાઇવરને મળવાનું થયું જેમણે તેમના જીવનમાં પ્રગતિનો સંપૂર્ણ શ્રેય પ્રમુખસ્વામી મહારાજને આપ્યો. સર્વને લાગતું કે કે પ્રમુખસ્વામી મહારાજ તેઓના સાચા મિત્ર હતા.”
જાણીતા લેખક શ્રી રાજીવ રંજને રામકૃષ્ણ મિશન દ્વારા છત્તીસગઢમાં હાથ ધરવામાં આવેલી આદિવાસી કલ્યાણ પ્રવૃત્તિની ઉલ્લેખ કર્યો.
હિતાભિલાશ મોહંતી(લૉયર) એ જણાવ્યું , “સંતનું કાર્ય ભૌતિક સુખ-સગવડોનો ત્યાગ કરી ભક્તિ અને તપશ્ચર્યા દ્વારા સમાજના ઉત્થાન કાજે જીવવું તે છે.” શ્રી અતુલ જોગ, “ પ્રમુખસ્વામી મહારાજે સૌને કોઈ ભેદબુદ્ધિ વગર અપનાવ્યા. આપણે ત્યાં એવો ભ્રામક પ્રચાર કરવામાં આવ્યો છે કે સંતો છેવાડાના માનવી સુધી નથી પહોંચી શક્યા અને માત્ર બહારથી આવેલા કેટલાક લોકોએ જ કાર્ય કર્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે સંતોએ સૌમાં આત્મગૌરવ બક્ષ્યું છે.”
ગુજરાત સરકારના ટ્રાઈબલ ડેવલપમેન્ટ મિનિસ્ટર શ્રી કુબેરભાઈ ડીંડોરે ધર્મની જાળવણીમાં પ્રમુખસ્વામી મહારાજના યોગદાનનું સ્મરણ કર્યું.