આદિવાસી બાહુલ્ય દાહોદ જિલ્લાને મળશે FM રેડિયો સ્ટુડિયો કેન્દ્રની ભેટ
રૂ. ૧૦ કરોડના ખર્ચે દાહોદમાં પ્રધાનમંત્રીશ્રીના હસ્તે એફએમ રેડિયો સ્ટુડિયો કેન્દ્રનું થશે ખાતમુહૂર્ત
બહુલ આદિવાસી ધરાવતા દાહોદ જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ રેડિયો પ્રસારણનો વ્યાપ વધારવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એફએમ રેડિયો સ્ટુડિયો કેન્દ્રની ભેટ આપી છે.
કેન્દ્ર સરકારની બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક (BIND) યોજના હેઠળ દાહોદમાં રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૧૦ કિલો વોટના એફએમ રેડિયો સ્ટુડિયો સ્ટેશનનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેથી ખાતમુહૂર્ત કરશે. દાહોદમાં એક કોમ્યુનિટી રેડિયો બાદ આ બીજું કેન્દ્ર થશે.
દાહોદ ખાતે શરૂ થનાર ૧૦ કિલોવોટ એફએમ સ્ટેશન લગભગ ૫૫ કિ.મી. ત્રિજ્યા વિસ્તારોને કવરેજ કરે તેવુ સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત આદિવાસી જિલ્લા દાહોદનો લગભગ ૭૫ ટકા વિસ્તાર કવરેજ હેઠળ આવનાર છે.
વધુમાં આ ટ્રાન્સમીટર આંશિક રીતે અલીરાજપુર અને ઝાબુઆ સહિત મધ્ય પ્રદેશના સરહદી આદિવાસી જિલ્લાઓમાં પણ કવરેજ પ્રદાન કરશે. દાહોદના નવા સ્ટેશન પરથી ૨૫ લાખથી વધુ વસ્તી એફએમ પ્રસારણ મેળવી શકે તેવુ આયોજન કરવામાં આવ્યું છે.
હાલમાં ગુજરાત રાજ્યમાં ૨૬ બ્રોડકાસ્ટિંગ સ્ટેશન છે. જેના દ્વારા કુલ ૩૧ ટ્રાન્સમીટરનું સંચાલન કરવામાં આવે છે. ૨૬ સ્ટેશનોમાંથી અમદાવાદ, આહવા, ભુજ, ગોધરા, હિંમતનગર, જૂનાગઢ, રાજકોટ, સુરત અને વડોદરા સહિત નવ કેન્દ્રોમાં સ્થાનિક સ્તરે કાર્યક્રમનું નિર્માણ થઇ શકે તેવો સ્ટુડિયો ધરાવે છે.
અમદાવાદમાં ૨૦૦ કિલોવોટની ક્ષમતા ધરાવતું મીડિયમ વેવ અને ૧૦ કીલોવોટ એફએમમાં એક ટોક સ્ટુડિયો, બે મ્યુઝિક સ્ટુડિયો, એક ડ્રામા સ્ટુડિયો, બે એડિટિંગ રૂમ, બે ટ્રાન્સમિશન સ્ટુડિયો અને એક રિહર્સલ સ્ટુડિયો ધરાવે છે. ભુજમાં ૨૦ કિલોવોટ નું મીડિયમ વેવ અને ૫ કીલોવોટનું એફએમ ધરાવતા સ્ટેશન પર એક ટોક સ્ટુડિયો, એક મ્યુઝિક સ્ટુડિયો, એક ડ્રામા સ્ટુડિયો, એક એડિટિંગ રૂમ, બે ટ્રાન્સમિશન સ્ટુડિયો અને એક રિહર્સલ સ્ટુડિયો ધરાવે છે.
જ્યારે જૂનાગઢના ૧૦ કિલોવોટના એફએમ સ્ટુડિયો માં વોઇસ ઓવર રેકોર્ડિંગ અને મર્યાદિત ફિલ્ડ પ્રોડક્શન સુવિધાઓ છે. રાજકોટમાં ૩૦૦ અને ૧૦૦૦ કિલોવોટ ના મીડિયમ વેવ્ઝ અને ૧૦ કિલોવોટના એફએમ સ્ટેશનમાં એક ટોક સ્ટુડિયો, એક મ્યુઝિક સ્ટુડિયો, એક ડ્રામા સ્ટુડિયો, બે એડિટિંગ રૂમ, બે ટ્રાન્સમિશન સ્ટુડિયો અને એક રિહર્સલ સ્ટુડિયો ધરાવે છે.
વડોદરામાં ૧૦ કિલોવોટના એફએમ સ્ટેશનમાં એક ટોક સ્ટુડિયો, એક મ્યુઝિક સ્ટુડિયો, એક ડ્રામા સ્ટુડિયો, એક એડિટિંગ રૂમ, બે ટ્રાન્સમિશન સ્ટુડિયો અને એક રિહર્સલ સ્ટુડિયો ધરાવે છે. જ્યારે આહવા, ગોધરા, હિંમતનગર અને સુરતમાં મલ્ટી પર્પસ સ્ટુડિયો ફેસીલિટી ધરાવતા સ્ટેશન છે.
અમરેલી, ભરૂચ, ભાવનગર, બોટાદ, દાહોદ, દ્વારકા, જામનગર, કેવડીયા, ખંભાળિયા, મહેસાણા, મોડાસા, પોરબંદર, રાધનપુર, સુરેન્દ્રનગર, થરાદ, વલસાડ અને વેરાવળ ખાતે ૧૦૦ વોટના એફએમ રિલે સ્ટેશનો કાર્યરત છે. હાલના ૨૫ એફએમ ટ્રાન્સમિટર્સ રાજ્યના લગભગ ૪૮ ટકા વિસ્તારોને આવરી લઇ રાજ્યની લગભગ ૫૮ ટકા વસ્તી સુધી પહોંચી રહ્યા છે.
ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોને અમદાવાદ, આહવા, ભુજ, હિંમતનગર અને રાજકોટથી કાર્યરત ૬ મેગાવોટ ટ્રાન્સમીટર દ્વારા આકાશવાણી સેવાઓ દ્વારા આવરી લેવામાં આવ્યા છે.
એફએમ કવરેજને વધુ વધારવા માટે, ૫ સ્ટેશન ઇન્સ્ટોલ કરવાની BIND યોજના હેઠળ દાહોદ (૧૦ કિલોવોટ), ભુજ (૨૦ કિલોવોટ), ભાવનગર (૫ કિલોવોટ), દ્વારકા (૧૦ કિલોવોટ) અને ડીસા (૧૦૦ વોટ) ખાતે એફએમ ટ્રાન્સમિટર્સ મંજૂર કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં પાંચ ટ્રાન્સમીટરની પાંચ યોજનાઓ પૂર્ણ થયા પછી અંદાજિત ૬૫ ટકા વિસ્તાર અને ૭૭ ટકા વસ્તી સુધી લાભો પહોચાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આજની તારીખે વાત કરીએ તો, ગુજરાતમાં આકાશવાણી દ્વારા અંદાજિત ૯૯ ટકા વિસ્તારને મીડિયમ વેવ અને એફએમથી આવરી લેવાયો છે. જેમાં કુલ વસ્તીના ૯૯ ટકા વસ્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે અંદાજિત ૪૮ ટકા વિસ્તારને એફએમ અંતર્ગત આવરી લેવામાં આવ્યો છે. જેમાં ૫૮ ટકા વસ્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આજે આકાશવાણી તેની સ્થાનીય સેવાઓ ઉપરાંત વિવિધ ભારતી, રેઇનબૉ એફ.એમ ,એફ. એમ્. ગોલ્ડ, શાસ્ત્રીય સંગીત માટે રાગમ અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવાણી જેવા રાષ્ટ્રિય પ્રસારણો ચલાવે છે. આ ઉપરાંત આકાશવાણી ખેડુતો, કામદારો અને મહીલાઓને અનુલક્ષીને જુદાજુદા કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. દેશની સરહદ સંભાળતા સૈન્યના જવાનો માટે ખાસ જયમાલા કાર્યક્રમ વરસોથી નિયમિત રીતે પ્રસારીત થાય છે.
આકાશવાણીની આંતરરાષ્ટ્રીય સેવાઓ ૨૭ જેટલી ભાષાઓમા “શોર્ટવેવ” અને ” મિડિયમ વેવ” બેન્ડ પર પ્રસારીત થાય છે. આ ભાષાઓમાં ૧૬ જેટલી વિદેશી અને ૧૧ જેટલી ભારતીય ભાષાઓ છે. વિદેશી ભાષાઓમાં મુખ્યત્વે દારી, પુસ્તો, ફારસી, અરબી, અંગ્રેજી, બર્મીઝ, જાપાનીઝ, મેન્ડેરીન, મલય અને ફ્રેન્ચ મુખ્ય છે.
આકાશવાણી તેની શરૂઆતથી જ તેના પ્રેક્ષકોને શિક્ષિત અને મનોરંજન આપે છે, તેના ધ્યેય – ‘બહુજન હિતાયા : બહુજન સુખાય’ ના સૂત્ર અનુસાર જીવતા શિખવાડી રહી છે. પ્રસારણની ભાષાઓની સંખ્યા અને સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક વિવિધતાના સ્પેક્ટ્રમની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી પ્રસારણ સંસ્થાઓમાંની એક,
ઓલ ઇન્ડિયા રેડિયોની હોમ સર્વિસ સમગ્ર દેશમાં સ્થિત ૪૭૦ બ્રોડકાસ્ટિંગ કેન્દ્રોનો સમાવેશ કરે છે, જે લગભગ દેશના કુલ વિસ્તારના ૯૨ ટકા વિસ્તાર અને કુલ વસ્તીના ૯૯.૧૯ ટકા વસ્તીને આવરી લે છે. ભૌગોલિક રીતે, ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા ૨૩ ભાષાઓ અને ૧૭૯ બોલીઓમાં પ્રોગ્રામિંગની શરૂઆત કરવામાં આવી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે દાહોદ જિલ્લામાં નવા રેડિયો સ્ટેશનનું ખાતમુહૂર્ત થનાર છે. ત્યારે આવનાર સમયમાં દાહોદની લોક સુવિધાઓમાં એક નવું સીમાચિન્હ ઉમેરાઇ રહ્યું છે.