Western Times News

Gujarati News

4 રાજ્યોના આદિવાસીઓ કેમ કરી રહ્યા છે અલગ ભીલ પ્રદેશની માંગ?

અલગ ભીલપ્રદેશની માંગ સાથે માનગઢ ધામમાં ૪ રાજ્યોના આદિવાસીઓ ઉમટ્યા

દાહોદ, દેશના ચાર રાજ્યોના ૪૯ જિલ્લાઓનું વિલીનીકરણ કરીને ભીલ પ્રદેશ બનાવવાની માગણીએ જોર પકડયું છે. આ માંગને લઈને ગુરૂવારે બાંસવાડાના માનગઢ ધામમાં આયોજિત મહારેલીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી હજારો આદિવાસી સમાજના લોકો રાજસ્થાનના બાંસવાડામાં માનગઢ ધામ પહોંચ્યા હતા. આ રેલીમાં ઘણા સાંસદો અને ધારાસભ્યોએ પણ ભાગ લીધો હતો.

માનગઢધામ આદિવાસીઓનું તીર્થસ્થાન છે. રાજસ્થાન સરકારે ભીલ પ્રદેશની માંગને પહેલાં જ ફગાવી દીધી છે. જો કે, બાંસવાડાથી ભારત આદિવાસી પાર્ટી (બીએપી) સાંસદ રાજકુમાર રાઉતે કહ્યું – ભીલ રાજ્યની માંગ નવી નથી. બીએપી આ માંગને જોરદાર કરીતે ઉઠાવી રહ્યું છે. મેગા રેલી બાદ એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને આ પ્રસ્તાવ સાથે મળશે.

ભીલ સમાજના સૌથી મોટા સંગઠન આદિવાસી પરિવાર સહિત ૩પ સંસ્થાઓ દ્વારા આ મેગા રેલી બોલાવવામાં આવી હતી. આદિવાસી પરિવાર સંસ્થાના સ્થાપક સભ્ય મેનકા ડામોરે મંચ પરથી કહ્યું આદિવાસી મહિલાઓએ પંડિતોની સલાહ ન માનવી જોઈએ.

આદિવાસી પરિવારોમાં તેઓ સિંદૂર લગાવતા નથી કે મંગળસૂત્ર પહેરતા નથી. આદિવાસી સમાજની મહિલાઓ અને છોકરીઓએ શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ. હવેથી બધા ઉપવાસ બંધ કરો. અમે હિન્દુ નથી. આદિવાસી પરિવારનું સંગઠન ચારેય રાજ્યોમાં ફેલાયેલું છે.

આદિવાસી પરિવારના સ્થાપક ભંવરલાલ પરમારે જણાવ્યું હતું કે, આ જ માનગઢમાં આપણા પૂર્વજોએ ૧૦૦-રપ૦ વર્ષ પહેલાં આંદોલન શરૂ કર્યું હતું. જ્યારે ૧પ૦૦ લોકો માર્યા ગયા હતા. તેનો શું વાંક હતો ? હવે અમે ફરી આંદોલન શરૂ કર્યું છે. કોઈ માતાનો દિકરો આપણને રોકી શકશે નહીં. ભીલપ્રદેશની માંગ ચોક્કસ સમયસર પૂરી થશે તેની એક પ્રક્રિયા છે. આ આંદોલન આદિવાસી સમાજને જોડવાનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.