હજુ પણ કાચા મકાનમા રહેવા મજબૂર છે દાદરા નગર હવેલીના ખાનવેલ તલાવલીના આદિવાસીઓ

(પ્રતિનિધિ) સેલવાસ, દાદરા નગર હવેલીના ખાનવેલ અને આજુબાજુના ગામોમા ગત વર્ષે જુલાઈ મહિનામા ભારે વરસાદ અને મહારાષ્ટ્ર ના ડેમમાંથી અચાનક પાણી છોડવાને કારણે સાકરતોડ નદીમા ભયંકર પુર આવ્યુ હતુ જેના કારણે ઘણુ મોટા પ્રમાણમાં જાનમાલને નુકસાન થયુ હતુ.
તેમાં કેટલાક લોકોના આખાને આખા ઘર ડૂબી ગયા હતા અને લગભગબાર જેટલા ઘરોને ભારે મોટા પ્રમાણમાં નુકસાન થયુ હતુ જેમા ચાર ઘરો તો જમીન દોસ્ત થઈ ગયા હતા.આ ઘરના રહીશોને હાલમા હજુ સુધી પણ આવાસ મળ્યા નથી. ગત ૨૬ ફેબ્રુઆરીના રોજ ભારતના ગૃહમંત્રી અમિતશાહ દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા હતા
ત્યારે સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડમા આયોજિત કાર્યક્રમમા પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલ્લા યોજનાના લાભાર્થીને લાભ આપવામા આવ્યો હતો.સંઘ પ્રદેશમા લગભગ ૧૪ હજાર ગ્રામીણ આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવવા છતા જરૂરિયાતમંદ સુધી યોજના પહોંચતી નથી એવુ પ્રતીત થઈ રહ્યુ છે.ગત ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે દાનહના ખાનવેલ પાસેથી પસાર થતી સાંકળતોડ નદીમાં ભારે પૂર આવ્યુ હતુ.
જેના કારણે ખાનવેલ આસપાસના ઘણા વિસ્તારોમા ભારે તારાજી અને ખાનાખરાબી સર્જી હતી.ખાનવેલ તલાવલી ખાતે રહેતા આદિવાસી પરિવારનુ ઘર સહિતની સામગ્રી ધસમસતા પૂરમા તણાઈ ગઈ હતી.જુલાઈ મહિનામાં આવેલા પૂર પછી આજે ૮ મહિના વીતી જવા છતા પણ આ આદિવાસી પરિવારોને પ્રશાસન તરફથી ઘરની ફાળવણી કરવામા આવી નથી.હજુ પણ આ આદિવાસી પરિવારો કાચા માટીના બનાવેલા ઘરમા રહેવા મજબુર બન્યા છે.
તલાવલીમાં રહેતા ધાકલુંભાઈ ઈશ્વરભાઈ મિશાલ,રમેશભાઈ ધમલુંભાઈ કડુ, મનુભાઈ ધમલુંભાઈ કડુ, મંગલીબેન સોનકાભાઈ સાંભર,માધુરી મિશાલ આજે પણ માટીના લીપણ કરેલા ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે.ખાનવેલ પંચાયતની ગ્રામસભામા પણ આ જરૂરિયાતમંદ લોકોને આવાસ ફાળવવા માટેનો મુદ્દો ઉચકાયો હતો પરંતુ આજ દિન સુધી એ મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
એકબાજુ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વંચિતોને ઘર આપી રહી છે. ત્યારે દાનહમા આવા ખૂબ જ જરૂરિયાતમંદ લોકો સુધી પ્રશાસનની આ યોજનાઓ કેમ પહોંચતી નથી એ સવાલ ઉભો થાય છે.