દરબારસાહેબ દેસાઈની ૧૩૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
ભારતના સ્વતંત્રતા યજ્ઞમાં સામે ચાલીને પોતાનું રાજ્ય સોંપી દેનાર એવા સાચેસાચા પ્રજાના દરબાર શ્રી દરબારસાહેબ ગોપાળદાસ દેસાઈની ૧૩૭મી જન્મજયંતિ નિમિત્તે આજે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ખેડા જિલ્લામાં દેસાઇ પરિવારની જાગીરી હતી. શ્રી દરબારસાહેબે ગામડાના ખેડૂતો અને ગરીબ માણસો માટે ખૂબ સારા કાર્યો કર્યા હતા. તેમણે રાજા તરીકે મળતી સુવિધાઓ અને વૈભવની જગ્યાએ સાદગીને જીવનમાં ઉતારી હતી. શ્રી દરબારસાહેબે ખેડૂતોને શાહુકારો દ્વારા લેવામાં આવતા વ્યાજમાંથી મુક્ત કરવા માટે પણ ખૂબ પ્રયત્નો કર્યા હતા.
વધુમાં અધ્યક્ષશ્રીએ ઉમેર્યું હતું કે, શ્રી દરબારસાહેબે આણંદ, બોરસદ, વડોદરા વગેરે જેવા અનેક સ્વાતંત્ર્ય સંગ્રામમાં આગેવાની લીધી હતી. આ ઉપરાંત તેઓ સુરતના હરિપુરા ગામે ભરાયેલા રાષ્ટ્રીય અધિવેશનમાં સક્રિય રહ્યા હતા.
શ્રી દરબારસાહેબે પોતાના રજવાડાનું વિલીનીકરણ થાય તે પહેલા સામે ચાલીને પોતાનું રાજ્ય સોંપી દીધું હતું. આમ, અધ્યક્ષશ્રીએ ઉમદા વ્યક્તિત્વ અને સાચા અર્થમાં દરબારસાહેબને અંત:કરણપૂર્વક યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ પ્રસંગે વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ શ્રી ચેતન પંડ્યા સહિત અધિકારી-કર્મચારીશ્રીઓએ ઉપસ્થિત રહીને શ્રી દરબારસાહેબને પુષ્પ અર્પણ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી દરબારસાહેબ ગોપાળદાસ દેસાઈનો જન્મ તા.૧૯મી ડિસેમ્બર, ૧૮૮૭ના રોજ અમરેલી જિલ્લાના ઢસા મુકામે થયો હતો તથા તેમનું અવસાન તા.૫મી ડિસેમ્બર, ૧૯૫૧ના રોજ થયું હતું. શ્રી દરબારસાહેબે સૌરાષ્ટ્રમાં આવેલા ઢસા-રાયસાંકળિયાનું તેમનું નાનું રાજ્ય ભારતના સ્વતંત્રતા યજ્ઞમાં સામે ચાલીને સોંપી દીધું હતું. વર્ષ ૧૯૪૭માં સ્વરાજ્ય આવતાં જાગીર પાછી મળી પણ શ્રી દરબારસાહેબે તેનો અસ્વીકાર કર્યો હતો અને જાહેર સેવાને જ પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું.