સાસરિયાંની હાજરીમાં પરિણીતાને ત્રણ વખત તલાક બોલીને કાઢી મૂકી
પતિએ પરિણીતાની જાણ બહાર બીજાં લગ્ન કરી લીધાં
અમદાવાદ, લગ્નના પાંચ મહિના બાદ સાસરિયાંઓએ પરિણીતાને અસહ્ય ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પરિણીતાની જાણ બહાર પતિએ બીજાં લગ્ન પણ કરી લીધાં હતાં. પતિ સહિત સાસરિયાંઓએ અમારે બીજું બાળક જોઈતુ નથી કહીને પરિણીતાને ત્રાસ આપ્યો હતો.
આ સિવાય પતિએ બધાની હાજરીમાં પત્નીને ત્રણ વખત તલાક બોલીને ઘરમાંથી જતા રહેવા કહ્યું હતું. સાસરિયાંના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પતિ સહિત સાસરિયાં સામે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રખિયાલમાં રહેતી ૨૮ વર્ષીય હિના (નામ બદલ્યું છે)નાં લગ્ન વર્ષ ૨૦૧૮માં મહંમદહુસેન કુરેશી સાથે મક્કા મદીના ખાતે થયાં હતાં. લગ્ન બાદ હિના સાસરીમાં બાપુનગરમાં રહેવા ગઈ હતી. લગ્નના પાંચ મહિના બાદ સાસુ શેરબાનુ ઘરની નાની-નાની બાબતોમાં હિનાને મહેણાં-ટોણા મારીને હેરાન કરવા લાગી હતી. આટલું જ નહ હિનાને હેરાન કરવા માટે મહંમદહુસેનને પણ ખોટી ચડામણી કરતાં હતાં.
મહંમદહુસેન પણ હિના સાથે ઝઘડો કરીને મારઝૂડ કરતો હતો. જ્યારે હિનાએ બાળકને જન્મ આપ્યો હતો તે બાદ તેને જાણ થઈ હતી કે મહંમદહુસેનના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ છે. હિનાએ તેની સાસુએ મહંમદહુસેનની બાબતે કહ્યું હતું, જોકે સાસુએ મહંમદહુસેનનો પક્ષ લઈને હિના સાથે ઝઘડો કર્યાે હતો અને તારે ચૂપચાપ રહેવા કહ્યું હતું.
આ સિવાય દિયર ફારુક પણ અવારનવાર હિના સાથે બબાલ કરતો હતો, હિના બીજી વખત ગર્ભવતી થતાં સાસરિયાંએ અમારે બીજું બાળક નથી જોઈતું કહીને ઝઘડો કર્યાે હતો. સાસરિયાંના ત્રાસથી કંટાળીને હિના પિયરમાં રહેવા માટે જતી રહી હતી. તો બીજી તરફ મહંમદહુસેને બીજાં લગ્ન કરી લીધાં હતાં. જેથી હિનાએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પોલીસ સ્ટેશનમાં અરજી થતાં મહંમદહુસેન સહિતનાં સાસરીયાંએ સમાધાન કરી લીધું હતું.
સમાધાન થતાંની સાથે જ હિના પરત તેની સાસરીમાં રહેવા માટે જતી રહી હતી. હિનાને થોડા દિવસ સારી રીતે રાખ્યા બાદ સાસરિયાએ તેના પર ત્રાસ ગુજારવાનું ચાલુ રાખ્યું હતું. થોડા સમય પહેલાં હિના સહિતનાં સાસરિયાંના તમામ સભ્યો હાજર હતા ત્યારે મહંમદહુસેને બધાની સાથે જ ત્રણ વખત તલાક બોલીને ઘરમાંથી નીકળી જવાનું કહ્યું હતું.
મહંમદહુસેને હિનાને ઘરમાંથી કાઢી મૂકતાં તે પોતાના પિયરમાં આવી ગઇ હતી અને બાદમાં સાસરિયા તેડી જાય તેની રાહ જોતી હતી. સાસરિયાં તેડી નહીં જતા અંતે હિનાને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. રખિયાલ પોલીસે આ મામલે પતિ, સાસુ સસરા અને દિયર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.