મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ઉજવાયો ત્રિવેણી ઉત્સવ
પ્રતિનિધિ.મોડાસા, મહાન ભારત દેશના ૭૪ મા પ્રજાસત્તાક પર્વ સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર મનાવાઈ રહ્યું છે, ત્યારે મોડાસા ખાતેના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગાયત્રી માતાજી તિરંગા રંગમાં શૃંગાર તેમજ સમગ્ર ચેતના કેન્દ્ર માં રાષ્ટ્ર ભક્તિના દર્શન થયા. આજ રાષ્ટ્રીય પર્વ ની સાથે સાથે પ્રકૃતિને ખિલવાના પ્રારંભનો ઉત્સવ એટલે વસંત પંચમી- મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ. સાથે જ ગાયત્રી પરિવારના જનક યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનો આધ્યાત્મિક જન્મ દિવસ વસંત પર્વ. આમ આજ આ ત્રિવેણી પર્વ પર ભવ્ય ઉજવણી કરવામાં આવી.
સવાર ૭ વાગેથી જ ગાયત્રી ચેતના કેન્દ્ર પર આરતી, સામુહિક જાપમાં અનેક સાધકો જાેડાયા તથા માઁ સરસ્વતી પૂજન સાથે આજના ઉત્સવની શરૂઆત કરવામાં આવી. ગાયત્રી યજ્ઞમાં ઉપસ્થિત રહેનાર સૌએ સમગ્ર માનવમાત્રનું ઉજ્જવળ ભવિષ્ય બને એવી ભાવના સાથે આજ રાષ્ટ્ર ઉત્થાન તેમજ સુરક્ષા હેતુ વિશેષ આહુતિઓ અર્પણ કરી. ઉપસ્થિત સૌએ આજ વસંત પર્વથી વિશેષ પોતાના જીવનમાં માનવતાના ઉત્થાન માટે ઉત્સાહ સાથે વિચાર ક્રાન્તિ અભિયાન વધુ વેગવાન બનાવવા નવ સંકલ્પિત થયા. આજથી દર ગુરુવારે બપોરે ૩ઃ૦૦ થી ૩ઃ૩૦ દરમિયાન મોડાસા સહિત સમગ્ર ક્ષેત્રના ગામેગામ સૌએ રાષ્ટ્રના ઉત્થાન તેમજ માનવમાત્રના કલ્યાણ માટે ગાયત્રી મહામંત્ર સામુહિક જાપ આયોજન કરવામાં આવ્યું.
આજ ગાયત્રી પરિવારના જનક યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીને ૧૯૨૬ માં વસંત પંચમીના દિવસે તેઓના આધ્યાત્મિક માર્ગદર્શક દાદા ગુરુદેવ સાથે સાક્ષાત્કાર થયો હતો. તેઓના માર્ગદર્શન મુજબ આ યુગ પરિવર્તનની યોજના ગાયત્રી પરિવાર સ્વરુપે શુભારંભ થઈ હતી. જે આજે ૧૬ કરોડથી પણ વધુ પીત વસ્ત્રધારી ગાયત્રી સાધકો સાધના, ઉપાસના, આરાધના સાથે સાથે માનવમાત્રને સહાયરુપ થાય એવા અનેક રચનાત્મક આંદોલન ચલાવી રહેલ છે.