ટ્રકચાલકની નજીવી ભૂલને કારણે દંપત્તિએ જીવ ગુમાવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/truck.jpg)
ધંધુકાના ફેદરા-પીપળી માર્ગ પર ગોઝારા અકસ્માતમાં પતિ-પત્નીનું મોત
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ જિલ્લામાં ધંધુકાના ફેદરા-પીપળી માર્ગ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં પતિપત્નીનું મોત થયું છે. બુલેટ સવાર યુવાન પતિ-પત્નીના આ અકસ્માતમાં કમકમાટીભર્યા મોત થયા હતા. રોડ પર અંધારમાં ઉભેલી ટ્રકની પાછળ બુલેટ ઘૂસી જતાં આ અકસ્માત થયો હતો.
આમ જ્યાં ત્યાં ઊભા રાખવામાં વાહનના કારણે એક કુટુંબ ખતમ થઈ ગયું હતું. ટ્રક ચાલકની બેદરકારીએ એક દંપતીને ખતમ કરી દીધું હતું. મૃત્યુ પામેલા પતિપત્ની શિહોર તાલુકાના વરલ ગામના વતની હતા.
૨૬ વર્ષીય બુલેટ ચાલક નરેશભાઈ વાઘોસીનું ઘટનાસ્થળે મોત થયું હતું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સેજલ વાઘોસીને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૨૪ વર્ષીય સેજલને સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. આમ સારવાર શરૂ થાય તે પહેલાં જ સેજલ વાઘોસીનું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે જબરદસ્ત ધડાકો થતાં અને મરણચીસ સંભળાતા સ્થાનિકો દોડી આવ્યા હતા.
તેઓએ ૧૦૮ બોલાવી હતી અને ટ્રક ડ્રાઇવર અને ક્લીનરને બરોબરના ફટકાર્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. તેની સાથે ટોળાને વેરવિખેર કરી નાખ્યુ હતું. પોલીસે ટ્રક ડ્રાઇવર સામે બેદરકારીભરી રીતે ટ્રક ઊભી રાખવાનો અને પાછળ બેકલાઇટ ન રાખીને ટ્રાફિકના નિયમ ભંગનો કેસ નોંધ્યો છે. તેની સાથે તેને ટ્રક ડ્રાઇવરને અટકાયતમાં લીધો હતો.
આમ ગુજરાતમાં કોઈ દિવસ બાકી રહેતો નથી જ્યારે અકસ્માત સર્જાયો ન હોય. જો ટ્રકચાલકે તેની હેડલાઇટ ચાલુ રાખી હોત તો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ન હોત આ દંપતી જીવતું હોત. આ રીતે ટ્રક ચાલકો અંધારામાં ગમે તેમ વાહનો ઊભા રાખી દે છે અને તેઓ બેકલાઇટ પણ ચાલુ રાખતા નથી તથા આના લીધે અકસ્માતોની સંભાવના વધી જાય છે. આ રીતે હાઇવે પર ઉભેલી ટ્રકોની પાછળ ઘણી કારો પણ ઘૂસી જાય છે. તેના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાય છે.