Western Times News

Gujarati News

કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનના કાયદાના વિરોધમાં દાહોદ જિલ્લાના ટ્રક ચાલકોએ બાયો ચડાવી

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) કેન્દ્ર સરકારના નવા હીટ એન્ડ રનના કાયદાનો ટ્રક ચાલકો દ્વારા દેશભરમાં વિરોધ કરી દેખાવો કરવામાં આવી રહ્યા છે. તેના પગલે આજે દાહોદના ટ્રકચાલકોએ દાહોદ જિલ્લા ડ્રાઇવર મજૂર કામદાર યુનિયનના નેજા હેઠળ રેલી સ્વરૂપે મામલતદાર તેમજ જિલ્લા કલેકટર કચેરીએ જઈ સરકારના આ કાયદાને વખોડતું આવેદનપત્ર આપી આ કાયદો પરત ખેંચવાની માગણી કરી

અને ન ખેંચે તો આગામી સમયમાં જલદ કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી સરકારના નવા હીટ એન્ડ રનના કાયદાના વિરોધમાં આજથી ટ્રક ચાલકો હડતાલ પર ઉતરી જતા દાહોદના રસ્તાઓ પર ટ્રકના પૈડા થંભી ગયા હતા. અને ટ્રક ચાલકોએ ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. હિટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકારના નવા કાયદાની જોગવાઈઓને લઈને દેશભરના ટ્રક ડ્રાઇવરો દેશભરમાં હડતાલ પર ઉતર્યા છે.

જેના પગલે દાહોદના ટ્રક ડ્રાઇવરોએ આજથી હડતાલ પર ઉતરી સરકાર સામે બાયો ચડાવી છે. અને આ કાયદાનો વિરોધ કરવા દાહોદના ટ્રક ડ્રાઇવરો દાહોદ જિલ્લા ટ્રક ડ્રાઇવર મજુર કામદાર યુનિયનના નેજા હેઠળ દાહોદ એપીએમસી ગેટ પાસે એકત્ર થયા હતા. અને સરકારના આ કાયદાને વખોડતું આવેદનપત્ર આપવા રેલી સ્વરૂપે દાહોદ મામલતદાર કચેરીએ ગયા હતા.

જ્યાં સરકારના હિટ એન્ડ રનના નવા કાયદાનો વિરોધ કરતા સૂત્રોચાર કર્યા બાદ દાહોદના મામલતદાર મનોજ મિશ્રાને આવેદનપત્ર આપી ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. અને આજથી જ હડતાલ પર ઉતરવાની જાહેરાત કરી હતી. આ હડતાલના કારણે પેટ્રોલ ડીઝલ તેમજ શાકભાજી જેવી આવશ્યક ચીજ વસ્તુઓની અવર-જવર પર સીધી અસર પડવાની આશંકાઓ સેવાઈ રહી છે.

જ્યારે કેટલાક લોકોએ તો પેટ્રોલ પુરાવવા પેટ્રોલ પંપ ઉપર દોટ મૂકી હતી. જેના કારણે પેટ્રોલ પંપ ઉપર પણ આજે દરરોજ કરતા વધુ ભીડ જોવા મળી હતી. ટ્રક ડ્રાઇવરોની આ હડતાલની સીધી અસર આવનાર દિવસોમાં સામાન્ય માણસ પર વધુ જોવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.