ટ્રમ્પ તંત્રએ નવા સ્ટુડન્ટ વિઝા ઈન્ટરવ્યુ પર એકાએક રોક લગાવી

વાશિગ્ટન, અભ્યાસ માટે અમેરિકા જવા ઈચ્છતા ભારત સહિતના વિશ્વના દેશોના વિદ્યાર્થીઓ માટે આંચકારૂપ ઘટનામાં ટ્રમ્પ વહીવટતંત્રએ તેના વાણિજ્ય દૂતાવાસોને નવા સ્ટુડન્ટ વિઝા માટેના ઈન્ટરવ્યુ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે.
વિદેશી વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતોની ચકાસણી કરવાના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશને પગલે આ નિર્ણય લેવાયો હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કાે રૂબિયોને ટાંકીને આ અહેવાલમાં જણાવાયું છે કે, સોશિયલ મીડિયાની ચકાસણીની કામગીરીને કારણે આગામી સૂચના જારી ના થાય ત્યાં સુધી દૂતાવાસોએ સ્ટુડન્ટ અથવા એક્સચેન્જ વિઝિટર (એફ, એમ અને જે) વિઝાની નવી એક પણ એપોઈન્ટમેન્ટ જારી કરવી નહીં. આ આદેશ તત્કાલ અસરથી અમલી બનાવાયો છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકન સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ દ્વારા ગત માર્ચ મહિનામાં આ બાબતે સત્તાવાર જાહેરાત કરાઈ હતી.
યુએસસીઆઈએસ દ્વારા આ અંગે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, તેઓ વિઝા માટે અરજી કરનારા અને ઈમિગ્રન્ટ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટની ચકાસણી કરશે અને જેમણે પોતાના એકાઉન્ટ્સમાં એન્ટિ-સેમિટિક (યહુદીઓ વિરોધી) કોમેન્ટ્સ કરી હશે તેમના વિઝા કે રેસિડેન્સી પરમિટ રદ્દ કરવામાં આવશે.
આ નીતિ તાત્કાલિક અસરથી અમલી બનાવાઈ છે અને તે સ્ટુડન્ટ વિઝા તથા ગ્રીન કાડ્ર્સ માટેની અરજીઓ પર લાગુ થશે. યુએસસીઆઈએસ દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટની ચકાસણીના માપદંડો અને ડેટા સ્ટોરેજની સમયમર્યાદા જેવી વિગતો અપાઈ નથી. ઓનલાઈન એક્ટિવિટીમાં કઈ બાબતો વિઝા રીજેક્ટ કરાવી શકે છે તે અંગે વિગતો જાહેર થઈ નથી.
સોશિયલ મીડિયા પર કઈ બાબતોથી દૂર રહેવું તેની સ્પષ્ટતા પણ કરાઈ નથી.વિશ્વપ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટી પર તઘલખી અંકુશો મૂકવા મચી પડેલી ટ્રમ્પ સરકારે હવે યુનિવર્સિટી સાથે ૧૦૦ મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ રદ કરવા ફરમાન બહાર પાડ્યું છે. યુએસ સરકારે અગાઉ યુનિવર્સિટીની નીતિમાં ફેરફાર માટે દબાણ ઊભું કરવા ૨.૬ અબજ ડોલરની ફેડરલ રિસર્ચ ગ્રાન્ટ રદ કરી હતી.
ભારત સહિત વિદેશના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ બાદ કોન્ટ્રાક્ટ રદ કરવાનું પગલું ભરી યુએસ સરકારે હાર્વર્ડ યુનિવર્સિટીને વધુ એક ફટકો માર્યાે છે. જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશન દ્વારા તૈયાર કરાયેલા પત્રમાં વિવિધ એજન્સીને યુનિવર્સિટી સાથેના કોન્ટ્રાક્ટ રદ કરવા તથા અન્ય વૈકલ્પિક વેન્ડર્સ શોધવા સૂચના અપાઈ છે.
તંત્ર દ્વારા આ પત્રની નકલ મંગળવારે મોકલવામાં આવે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. એડમિનિસ્ટ્રેશન વિભાગના અધિકારીએ તંત્રના આગામી પગલા અંગે આપેલી માહિતીના આધારે ધ ન્યૂયોર્ક ટાઈમ્સમાં સૌ પ્રથમ આ પત્ર અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.
અમેરિકાની સૌથી જૂની અને સૌથી વધુ સમૃદ્ધ યુનિવર્સિટી સાથેના ઘર્ષણને વધુ તીવ્ર બનાવતાં ટ્રમ્પ સરકારે તેને ઉદારવાદીઓ અને યહૂદી વિરોધીઓના અડ્ડા સમાન ગણાવી હતી. યુનિવર્સિટીના નેતૃત્વમાં પરિવર્તન લાવવાના ટ્રમ્પ તંત્રના આદેશને હાર્વર્ડ દ્વારા કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.SS1MS