કોર્ટના સ્ટે છતાં ટ્રમ્પે વેનેઝુએલાના ૨૬૧ ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કર્યા

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ એક્ટિવ છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સ પર તેમનું ખાસ ધ્યાન છે.
ભારત સહિત ઘણા દેશો પછી વેનેઝુએલાની એક ગેંગ તેમની રડારમાં આવી છે. યુએસ ફેડરલ જજે દેશનિકાલ પર કામચલાઉ રોક લગાવવાનો આદેશ આપ્યા પછી પણ ટ્રમ્પ વહીવટીતંત્રે વેનેઝુએલાના સેંકડો નાગરિકોને ડિપોર્ટ કરીને અલ સાલ્વાડોર મોકલી દીધા છે.
જો કે, ટ્રમ્પના અધિકારીઓનું કહેવું છે કે, કોર્ટનો આદેશ આવે તે પહેલાં જ વિમાન રવાના થઈ ચૂક્યું હતું. મહત્વનું છે કે, અમેરિકાએ ‘એલિયન એનિમી એક્ટ’ હેઠળ આ કાર્યવાહી કરી છે, જેમાં ઈમિગ્રન્ટ્સને ડ્રગ્સ વેચતી ગેંગના સભ્યો ગણાવ્યા છે.
યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જેમ્સ ઇ. બોસબર્ગે દેશનિકાલ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યાે હતો, પરંતુ સરકારી વકીલોએ તેમને હતું કે, પહેલાથી જ ઈમિગ્રન્ટ્સને લઈને એક વિમાન અલ સાલ્વાડોર અને બીજું વિમાન હોન્ડુરાસ તરફ ઉડાન ભરી ચૂક્યું હતું.
બોસબર્ગે મૌખિક રીતે વિમાનોને પરત આવવાનો આદેશ આપ્યો હતો પરંતુ લેખિત આદેશમાં આ નિર્દેશનો સમાવેશ કર્યાે ન હતો.અલ સાલ્વાડોરના રાષ્ટ્રપ્રમુખ નાયબ બુકેલેએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે વેનેઝુએલાના ગેંગ ‘ટ્રેન ડી અરાગુઆ’ના ૨૩૮ સભ્યો અને આંતરરાષ્ટ્રીય ગેંગ એમએસ-૧૩ના ૨૩ સભ્યો અહીં પહોંચ્યા હતા.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે રવિવારે જણાવ્યું હતું કે વહીવટીતંત્રે કોર્ટના કોઈપણ આદેશોની અવગણના કરી નથી. આ આદેશ કાયદેસર રીતે પાયાવિહોણો છે અને તે જારી કરવામાં આવ્યો ત્યાં સુધીમાં શંકાસ્પદ આતંકવાદીઓને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા.SS1MS