ટ્રમ્પે ડીપોર્ટેશન માટે ૧૮મી સદીનો કાયદો ઉગામ્યો

વોશિંગ્ટન, અમેરિકામાં ડીપોર્ટેશનની કાર્યવાહીને ઝડપથી હાથ ધરવા માટે ટ્રમ્પ સરકારે ૧૮મી સદીના કાયદો અજમાવ્યો હતો. ટ્રમ્પે દાવો કર્યાે હતો કે, અમેરિકામાં વેનેઝુએલાની ગેંગના સભ્યોએ ઘૂસણખોરી કરી છે અને તેઓ દેશ માટે જોખમી હોવાથી તાત્કાલિક દેશનિકાલ જરૂરી છે. કોર્ટે ગણતરીના કલાકોમાં આ કાયદાના અમલ પર રોક લગાવતા સરકાર અને કોર્ટ આમને-સામને આવી ગયાં છે.
કોલંબિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટના ચીફ જજ જેમ્સ ઈ બોસબર્ગે આ મામલે ઝડપી સુનાવણી હાથ ધરી હતી અને સરકારના હુકમ પર રોક લગાવી હતી. કોર્ટે ઠરાવ્યું હતં કે, સરકાર ઈમિગ્રન્ટ્સ સાથેની ફ્લાઈટને રવાના કરી દીધી છે. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, વેનેઝુએલાની ખતરનાક ગેંગના ૩૦૦થી વધુ સભ્યોને ડીપોર્ટ કરવામાં આવશે અને તેમને અલ સાલ્વાડોર તથા હોન્ડુરાસની જેલોમાં રાખવામાં આવશે.
આ મામલે એસીએલયુ અને ડેમોક્રેસી ફોરવર્ડ નામની સંસ્થાઓએ કોર્ટમાં કેસ દાખલ કર્યાે હતો. આ મામલે ત્વરિત સુનાવણીની જરૂરિયાત હોવાનું જણાવી જજ બોસબર્ગે કહ્યું હતું કે, ડીપોર્ટેશનની કાર્યવાહીમાં થોડો વિલંબ થવાથી સરકારને કોઈ નુકસાન જવાનું નથી.
આ લોકોને સરકારની કસ્ટડીમાં રાખવા જોઈએ અને તેમને કોઈ ફ્લાઈટમાં રવાના કર્યા હોય તો આવા પ્લેન તરત પરત બોલાવવા જોઈએ. ટ્રમ્પે દાવો કર્યાે હતો કે, અમેરિકામાં વેનેઝુએલાની ગેંગ ટ્રેન ડે આરગુઆ કબજો જમાવી રહી છે અને તેમને દૂર કરવા માટે ‘એલિયન એનિમીસ એક્ટ ૧૭૯૮’નો અમલ કરવો જરૂરી છે.
આ ગેંગના સભ્યો ગુનાખોરી આચરી દેશમાં ભય-અરાજકતા ફેલાવતા હોવાનો દાવો ટ્રમ્પે કર્યાે હતો. આ કાયદો યુદ્ધના સમયે અમલી બનાવાય છે અને તેના અમલથી પ્રમુખને માસ ડીપોર્ટેશનની સત્તા મળે છે.
જેથી તેઓ ડીપોર્ટેશનની નિયત પ્રક્રિયા હાથ ધરવાના બદલે તરત જ કાર્યવાહી હાથ ધરી શકે છે. ટ્રમ્પના આ દાવાના ગણતરીના કલાકોમાં જ કોર્ટે સરકારના આદેશને ઉથલાવ્યો હતો. અમેરિકાના ઈતિહાસમાં ‘એલિયન એનિમીસ એક્ટ ૧૭૯૮’નો અમલ અત્યાર સુધી ત્રણ વખત થયેલો છે. છેલ્લે બીજા વિશ્વ યુદ્ધ વખતે જર્મની અને ઈટાલીના લોકોને તગેડી મૂકવા સરકારે આ કાયદાનો અમલ કર્યાે હતો.
વેનેઝુએલાની જેલોમાં ટ્રેન ડી આરાગુઆ ગેંગ બની હતી અને લાખો લોકો તેની સાથે જોડાયા હતા. બહેતર જીવન માટે આ ગેંગના લોકો વેનેઝુએલામાંથી અમેરિકામાં આવ્યા હતા. વેનેઝુએલાની સરકારે પણ આ સંગઠનને અપરાધિક જાહેર કરેલું છે ત્યારે અમેરિકાએ પણ કાર્યવાહી કરવી જોઈએ તેવં ટ્રમ્પ માને છે. ટ્રમ્પ સરકારે ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ હુકમ સામે અપીલ કરી છે.
સરકારે અપીલમાં જણાવ્યું છે કે, સરકારની નીતિ વિષયક બાબતોમાં દખલ કરવાની સત્તા ડિસ્ટ્રિક્ટ કોર્ટને અપાય તો તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે ઝડપી કાર્યવાહી થઈ શકશે નહીં. સરકારની કાર્યવાહીને કોર્ટ દ્વારા અટકાવી દેવાય તો સમગ્ર તંત્રને લકવો મારી ગયા જેવી સ્થિતિ સર્જાશે.SS1MS