Western Times News

Gujarati News

ટ્રમ્પ સમર્થક ઉદ્યોગપતિઓને ફટકો ૨૦૦ અબજ ડોલરની સંપત્તિ સાફ

વોશિંગ્ટન, ટ્રમ્પને પ્રમુખપદની ચૂંટણીમાં જંગી સમર્થન આપનારા ટેક અબજપતિઓને જબરદસ્ત ફટકો પડયો છે. તેમા ટ્રમ્પના પ્રબળ સમર્થક ઇલોન મસ્ક પણ બાકાત નથી. ટ્રમ્પને લાખો ડોલરનું દાન આપનારા ટેકનોલોજીના આ મહારથીઓએ હવે અબજો ડોલર ગુમાવવાના આવ્યા છે.

અમેરિકન શેરબજારે ટ્રમ્પના લિબરેશન ડેના એજન્ડાની આપેલી પ્રતિક્રિયાના પગલે શેરોમાં કડાકો બોલ્યો છે. ડાઉ જોન્સ સળંગ બીજા દિવસે હજાર પોઇન્ટથી વધુ ખાબક્યો છે. ક્‰ડ ઓઇલ ૬૦ ડોલરની નજીક પહોંચી ગયું છે. ફક્ત અમેરિકા જ નહીં વૈશ્વિક મંદીના ડાકલા વાગવા લાગ્યા છે. અમેરિકન શેરબજારમાં મેટાનો શેર લગભગ નવ ટકા નીચે હતો. એમેઝોન પણ તેટલો જ નીચે હતો.

ગૂગલ ૩.૯૨ ટકા ઘટયો હતો, એપલ પણ નવ ટકા ઘટયો હતો. ટેસ્લાના શેરમાં ૫.૪૭ ટકા અને એક્સમાં ૮.૧૪ ટકાનો ઘટાડો થયો હતો.

ફોર્બ્સના જણાવ્યા મુજબ આ વેચવાલીના પરિણામ સ્વરૂપે મેટાના ઝુકરબર્ગને ૧૮ અબજ ડોલર, એમેઝોનના બેઝોસને ૧૬ અબજ ડોલર, મસ્કને નવ અબજ ડોલરનો ફટકો પડયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સના જણાવ્યા મુજબ બજારમાં ઘટાડાથી વિશ્વના ટોચના ૫૦૦ ધનવાનોની સંપત્તિમાંથી ૨૦૦ અબજ ડોલર સાફ થઈ ગયા હતા, જે છેલ્લા ૧૩ વર્ષમાં ચોથા નંબરનો સૌથી મોટો ઘટાડો દર્શાવે છે.

સૌથી મોટું આશ્ચર્ય તો મસ્કનું છે. ટ્રમ્પના પ્રબળ સમર્થક મનાતા મસ્કની સંપત્તિમાં વધારો થશે તેમ માનવામાં આવતું હતું, પરંતુ ટ્રમ્પના આવ્યાને ત્રણ મહિના થવા આવ્યા, પણ આટલા સમયમાં તો મસ્કની સંપત્તિમાં ૧૦૦ અબજ ડોલરનું ધોવાણ થયું છે. આ જોતાં લાગે છે કે ક્યાંક ટ્રમ્પને સમર્થન કરીને મસ્કને પસ્તાવવાના દિવસ ન આવે.

મસ્કે ટ્રમ્પને લગભગ ૩૦ કરોડ ડોલર, મેટા અને એમેઝોને ટ્રમ્પને ઉદઘાટન માટે ૧૦-૧૦ લાખ ડોલર દાન કર્યુ હતુ. જ્યારે એપલના ટિમ કૂકે વ્યક્તિગત ધોરણે દસ લાખ ડોલરનું દાન કર્યુ હતું.

આ ઘટાડા અંગે ટ્રેઝરી સચિવ સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે બજારમાં ઘટાડો રોકાણકારો દ્વારા મહિનાથી ચાલતા એઆઇ પ્રચાર અને વધારે કિંમતવાળા શેરોમાં આવેલું કરેકશન છે. તેમણે જણાવ્યું હતું કે આ ટોચની સાત મેગા કંપનીઓ કે મેગ્નિફિસન્ટ સેવનની સમસ્યા છે, એમએજીએની સમસ્ય નથી. આ બધા ટેક સીઇઓને આશા હતી કે ટ્રમ્પ નિયમનતંત્રના મોરચે હળવાશ લાવશે અને નીતિગત અવરોધો દૂર કરશે. તેના કારણે એઆઇના વિકાસને વેગ મળશે, પણ સ્થિતિ તેનાથી વિપરીત જઈ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.