વિદેશમાંથી આવક રળવાના ઇરાદે ટ્રમ્પ એક્સટર્નલ રેવન્યુ સર્વિસ શરૂ કરશે
વોશિંગ્ટન , યુએસના નવા ચૂંટાયેલાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોદ્દાના શપથ લેતાં પૂર્વે જ કામનો ધમધમાટ શરૂ કરી દીધો છે. મેક્સિકો અને કેનેડાને ટેરીફ લાદવાની ધમકી આપ્યા બાદ એક નવા મહત્વના એલાન અનુસાર વીસ જાન્યુઆરીથી યુએસ સરકારમાં એક નવો વિભાગ એક્સટર્નલ રેવન્યુ સર્વિસ શરૂ કરશે. આ નવા વિભાગનું કામ વિદેશોમાંથી થનારી આવક અને ટેરીફની સમયસર વસૂલાત કરવાનું રહેશે.
આ વિભાગ હેઠળ કસ્ટમ, ટેરિફ અને વિદેશી સ્રોતોમાંથી થનારી અન્ય આવકને એકત્રિત કરવામાં આવશે તેમ ટ્રમ્પે તેમના પ્લેટફોર્મ ટ્›થ સોશિયલ પર જણાવ્યું હતું. સીએનએનના અહેવાલમાં જણાવ્યું હતું કે આ વિભાગની રચના ચીન, કેનેડા અને મેક્સિકો જેવા દેશો પર દબાણ વધારવા માટે કરવામાં આવી રહી છે.
વેપારમાં અસંતુલન, માઇગ્રેશન અને કેફી દ્રવ્યોની દાણચોરી જેવા મુદ્દાઓને સુલઝાવવામાં આ વિભાગ સહાયરુપ બનશે. ટ્રમ્પનો ઇરાદો ચીન સહિત અન્ય દેશો પર ટેક્સ વધારવાનો પણ છે. ટ્રમ્પ અન્ય દેશોમાંથી થઇ રહેલી આયાત પર પણ ટેરીફ વધારવાની જાહેરાત ટૂંક સમયમાં કરશે એમ મનાય છે.
ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે નબળાં વેપાર કરારને કારણે અમેરિકન ઇકોનોમી દ્વારા દુનિયાની સમૃદ્ધિ વધી છે જ્યારે અમારો ટેક્સ વધ્યો છે. હવે આ બાબતમાં પરિવર્તન કરવાનો સમય પાકી ગયો છે. જે લોકો અમારી પાસેથી નાણાં કમાય છે તેમણે હવે વાજબી હિસ્સો પરત ચૂકવવાનું શરૂ કરવું પડશે.
અલબત્ત આ નવી એજન્સી સ્થાપવા માટે કોંગ્રેસની મંજૂરીની જરૂર પડશે. પણ હાલ કોંગ્રેસ અને સેનેટ બંને ગૃહોમાં રિપબ્લિકન્સની બહુમતિ હોઇ ટ્રમ્પને આ મંજૂરી મેળવવામાં કોઇ અવરોધ નડશે નહીં. ટ્રમ્પે પ્રમુખપદની ચૂંટણીના પ્રચાર દરમ્યાન જ સ્પષ્ટ કરી દીધું હતું કે જો તેઓ પ્રમુખ બનશે તો દેશમાં વ્યાપક ફેરફારો કરવામાં આવશે.
આ ફેરફારો કરવા માટે ટ્રમ્પે એક ખાસ ટીમ બનાવી તેમાં ઇલન મસ્ક અને વિવેક રામાસ્વામીને સામેલ કર્યા હતા. ઇલન મસ્કે પ્રમુખ ટ્રમ્પ માટે પ્રચાર કરતાં જણાવ્યું હતું કે તેઓ અમેરિકાના બે ટ્રિલિયન ડોલર્સના ફેડરલ બજેટમાં ઘટાડો કરવામાં સહાય કરશે.
ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમ્યાન જણાવ્યું હતું કે વર્તમાન સરકારમાં અમલદારશાહીની બોલબાલા છે. પણ જો હું પ્રમુખ બનીશ તો તેમાં ધરમૂળથી પરિવર્તન કરીશ.આમાં પ્રથમ પગલાંમાં ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિસિયન્સી-ડીઓજીઇ-ની સ્થાપના કરી હતી. મસ્ક અને રામાસ્વામીને અમલદારશાહીને અસરકારક બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.SS1MS