રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાની દિશામાં ટ્રમ્પનું મોટું પગલું
નવી દિલ્હી, અમેરિકામાં સત્તામાં આવ્યા બાદ પ્રમુખડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. આ સંદર્ભમાં તેમણે યુક્રેનને આપવામાં આવતી સહાય બંધ કરવાની જાહેરાત કરી રશિયા-યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલતા યુદ્ધનો અંત લાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે.
ટ્રમ્પનો આ નિર્ણય યુક્રેન માટે મોટો ઝટકો મનાઈ રહ્યો છે, કારણ કે આ પહેલા બાઈડેન સરકાર રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનને ઘણી મદદ કરી રહી હતી, જેમાં અબજો ડોલરના શસ્ત્રો પણ સામેલ હતા.એટલું જ નહીં ટ્રમ્પ સરકારે અમેરિકા દ્વારા અન્ય દેશોને આપવામાં આવતી સહાય પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
જોકે, ઇઝરાયલ અને ઇજિપ્તનો તેમાં સમાવેશ નથી, એટલે કે આ દેશોને અમેરિકા તરફથી મદદ મળતી રહેશે. આ પગલું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિને અનુરૂપ છે, જે વિદેશમાં સહાયને સખત રીતે પ્રતિબંધિત કરે છે.આ આદેશથી વિકાસથી લઈને લશ્કરી સહાય સુધીની ઘણી બાબતોને અસર થશે તેવી અપેક્ષા છે.
જો બાયડેનના કાર્યકાળ દરમિયાન યુક્રેનને રશિયાનો સામનો કરવા માટે અબજો ડોલરના શસ્ત્રો મળ્યા હતા. અમેરિકન મદદને કારણે, યુક્રેન ઘણા દિવસોથી યુદ્ધમાં ટકી રહ્યું છે. અમેરિકાએ ૨૦૨૩ માં યુક્રેનને ૬૪ બિલિયન ડૉલરથી વધુની સહાય પૂરી પાડી હતી.
ગયા વર્ષે કેટલી સહાય આપવામાં આવી હતી તેની માહિતી આ અહેવાલમાં આપવામાં આવી નથી.અમેરિકાના વિદેશમંત્રી માર્કાે રુબિયોએ કહ્યું કે ૮૫ દિવસની અંદર તમામ વિદેશી સહાયની આંતરિક સમીક્ષાનો આદેશ આપવામાં આવ્યો છે.
ટ્રમ્પે અમેરિકાનો કાર્યભાર સંભાળતાની સાથે જ આખી દુનિયામાં અરાજકતા ફેલાઈ છે. ટ્રમ્પ એક પછી એક જે નિર્ણયો લઈ રહ્યા છે તેની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. તેમના આ કઠિન અને મોટા નિર્ણયથી આખી દુનિયા ચોંકી ગઈ છે.SS1MS