ટ્રમ્પનો યુ-ટર્નઃ મેક્સિકો પરની ટેરિફ એક મહિનો પાછી ઠેલી
વોશિંગ્ટન, મેક્સિકો અને કેનેડા ઉપરાંત ચીનમાંથી થતી આયાત પર ટેરિફ ઝીંકવાના આદેશના ૨૪ જ કલાકમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુ-ટર્ન લેતાં મેક્સિકોને ટેરિફમાં એક મહિનો રાહત આપી છે. જોકે કેનેડા અને ચીન પર લગાવાયેલી ટેરિફ યથાવત્ રહેશે.
ટ્રમ્પે સોમવારે મેક્સિકોથી આયાત થતાં માલ-સામાન પર ટેરિફ લગાવવાનો નિર્ણય એક મહિનો પાછો ઠેલવાની જાહેરાત કરી છે. મેક્સિકોના પ્રમુખ ક્લોડિયા શીનબૌમ સાથે ચર્ચા બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરી હતી.
મેક્સિકોના પ્રમુખ ક્લોડિયા શીનબૌમે જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે મંત્રણા બાદ ટેરિફ લાદવાની યોજના એક મહિનો પાછી ઠેલવા સહમતિ દાખવી હતી. શીનબૌમે જણાવ્યું હતું કે, મેક્સિકોમાંથી અમેરિકામાં ઠલાવતી નશીલી દવાઓને રોકવા મેક્સિકો સરહદ પર ૧૦,૦૦૦થી વધુ સૈનિકો તૈનાત કરશે.
અમેરિકા દ્વારા કેનેડાના માલ-સામાનની આયાત પર લગાવાયેલી ૨૫ ટકા ટેરિફનો કેનેડિયન નાગરિકોએ ઉગ્ર પ્રતિસાદ આપ્યો છે. અમેરિકાના પગલાંના વળતો જવાબ આપતાં અનેક કેનેડિયન નાગરિકોએ અમેરિકાનો પ્રવાસ રદ્દ કરવાની સાથે સાથે જ અમેરિકન બનાવટના શરાબ અને અન્ય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે.SS1MS