Western Times News

Gujarati News

નદીમાં ન્હાવા પડેલા એક જ પરિવારના સાત બાળકો ડૂબ્યા

(એજન્સી)પટણા, બિહારમાં તુમ્બા ગામની નદીમાં ન્હાવા પડેલા બાળકો ડૂબી જતાં પાંચના મોત નીપજ્યા છે. તુમ્બા ગામની નદીમાં એક જ પરિવારના સાત બાળકો ન્હાવા પડ્યા હતા, જેમાંથી પાંચના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે. આ અકસ્માતના પગલે સમગ્ર ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

વાસ્તવમાં, રવિવાર સવારે કૃષ્ણ ગોંડના ચાર બાળકો અને તેની બહેનની પુત્રી સહિત સાત બાળકો ન્હાવા માટે સોન નદીમાં ગયા હતા. નાહતી વખતે અચાનક બધા બાળકો ઊંડા પાણીમાં જતાં રહેતાં ડૂબવા લાગ્યા હતાં. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાંચ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા, પરંતુ બે બાળકો હજુ પણ ગુમ છે.

પ્રત્યક્ષદર્શી ગોલુ કુમારે જણાવ્યું કે, અમે સોન નદીમાં ન્હાવા ગયા હતા. નહાતી વખતે એક બાળક ડૂબવા લાગ્યું. તેને બચાવવા અમે બધાએ પાણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ અમે પણ ડૂબવા લાગ્યા હતાં, કોઈ રીતે અમે બચીને બહાર આવ્યા. જો કે પાંચ બાળકોને બચાવી શક્યા ન હતા.

અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રોહતાસ પોલીસ સ્ટેશનના વડાએ જણાવ્યું કે, માહિતી મળતાં જ તેઓ તરત જ ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા અને પાંચ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતાં.

ડાઇવર્સ અને એસડીઆરએફની ટીમ બે બાળકોને શોધી રહી છે. તેમણે કહ્યું, તમામ બાળકોની ઉંમર ૮-૧૨ વર્ષની વચ્ચે હતી. બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાસારામ સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસને બચાવ કાર્યમાં ઝડપ લાવવા અને ગુમ થયેલા બાળકોની શોધ ચાલુ રાખવાની ખાતરી આપી છે. વહીવટી તંત્રે પણ પરિવારને શક્ય તમામ મદદ કરવાનો પ્રયાસ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.