Western Times News

Gujarati News

આ અભિનેત્રી ભજવશે “ભાભીજી ઘર પર હૈ”માં ડિંપલની ભૂમિકા 

લીના ગોયંકા ઘણા બધા ટેલિવિઝન શો પર તેના અભિનય માટે જાણીતી હોઈ હવે તે એન્ડટીવી પર કોમેડી શો ભાભીજી ઘર પર હૈમાં જોવા મળવાની છે. તે ડિંપલના પાત્રમાં જોવા મળશે અને વિભૂતિ (આસીફ શેખ)ના જીવનમાં ઊથલપાથલ મચાવી દેશે.

શોમાં ડિંપલના પાત્ર વિશે વિગતો આપતાં લીના કહે છે, “ડિંપલ તરીકે મારી ભૂમિકા નટખટ છોકરીની છે. હું મોડર્ન કોલોનીમં વિભૂતિના ચાચાજી (અનુપ ઉપાધ્યાય)ને મારા પ્રેમમાં પાડવા માટે આવી છું.

જોકે અણધારી રીતે હું વિભૂતિના પ્રેમમાં પડી જાઉં છું. વાર્તા આગળ વધે તેમ ડેવિડ ચાચા ઉર્દુ ફિલોસોફરની જેમ વર્તવાનું શરૂ કરે છે, જેને લીધે બધા ચિંતામાં મુકાય છે.

ચાચાજીને તેમના અસલ રૂપમાં લવવા માટે પ્રેમ (વિશ્વજિત સોની) વિભૂતિને ચાચાજીના જીવનમાં એવી મહિલાને લાવવા માટે કહે છે જે તેની સાથે ફ્લર્ટ કરે. બદનસીબે તેમની યોજના ધાર્યા મુજબ આગળ વધતી નથી.

આ પછી અનિતા (વિદિશા શ્રીવાસ્તવ) ચાચાજીમાં ઈર્ષા પેદા કરવા માટે ડિંપલ સાથે લફરું કરવાની સલાહ આપે છે. જોકે ડિંપલ ખરેખર વિભૂતિના પ્રેમમાં પડી જતા અણધાર્યો વળાંક આવે છે.”

અત્યંત લોકપ્રિય શો ભાભીજી ઘર પર હૈમાં ભૂમિકા મળી તે વિશે અભિનેત્રી કહે છે, “આ શોનો હિસ્સો બનવા મળ્યું તેનાથી મારી ખુશીનો કોઈ પાર નથી. હું શોની સમર્પિત દર્શક છું અને વિભૂતિનું પાત્ર હંમેશાં મારા મનમાં વિશેષ સ્થાન ધરાવતું આવ્યું છે.

હવે આ અતુલનીય શોનો હિસ્સો બની તે મારાં સપનાંની પાર છે. મને આસીફ શેખજી સાથે કામ કરવા મળ્યું તેનાથી ખુશીનો કોઈ પાર નથી. તે એકદમ સીધાસાદા અભિનેતા છે.

આરંભમાં તેમની સાથે સીન કરવા માટે હું નર્વસ હતી, કારણ કે તેમને જોઈને મોટી થઈ છું અને તેઓ અત્યંત નામાંકિત વરિષ્ઠ કલાકારમાંથી એક છે.

જોકે તેમણે મને સહજ બનાવી અને મને આધાર આપ્યો. આખી ટીમ સાથે આસીફજી ખરેખર એકદમ ફ્રેન્ડ્લી છે અને આધારસ્તંભ છે. શોમાં પડદા પર અને પડદાની બહાર દરેક કલાકારના કોમિક ટાઈમિંગ અદભુત હોવાથી શો દરેકનો ફેવરીટ બની ગયો છે તેમાં આશ્ચર્યને કોઈ સ્થાન નથી.

સેટ પર ક્યારેય કંટાળો આવતો નથી. બસ મોજમસ્તી ચાલે છે. બધા બહુ મૈત્રીપૂર્ણ છે અને હસતા રહે છે, જોક્સ કરતા રહે છે. વાર્તા બહુ મનોરંજક છે અને હું મારા પરિવાર સહિત દર્શકોનો પ્રતિસાદ જોવા ઉત્સુક છું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.