મોરબી પાસેના લૂંટ કેસમાં બે આરોપીઓ ઝડપાયા

મોરબી, મોરબી નજીક ટંકારા પાસે ખજૂરા હોટેલ પાસેથી રાજકોટની એક આંગડિયા પેઢીના માલિકની કારને ટક્કર મારીને ૯૦ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે બે આરોપીઓને ૭૨ લાખ રૂપિયાની રોકડ સાથે પકડી પાડ્યા છે.
જોકે, હજુ ચારથી પાંચ આરોપીઓ ફરાર છે .જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં ટીટેનિયમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી ચલાવતા નીલેશભાઈ મનસુખભાઇ ભાલોડી ૯૦ લાખ રૂપિયાની રોકડ લઈને મહિન્દ્રા એસયુવી કારમાં મોરબી તરફ આવી રહ્યા હતા.
ત્યારે લાંબા સમયથી તેમનો પીછો કરી રહેલી બે કારે ખજૂરા હોટલ પાસે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી અને રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા. ફરિયાદીએ તરત જ રાજકોટના તેમના જાણીતા સિનિયર પોલીસ અધિકારીને જાણ કરી હતી, જેમણે ડીવાયએસપી ઝાલાને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી હતી.
આરોપીઓને રોકવા માટે પોલીસે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.આખરે, અભિ લાલાભાઈ અલગોતર (ઉં.વ. ૨૫) અને અભિજીત ભાવેશભાઈ ભાર્ગવ (ઉં.વ. ૨૫) નામના ભાવનગર પંથકના બે આરોપીઓને ૭૨ લાખ રૂપિયાની રોકડ સાથે પકડવામાં પોલીસને સફળતા મળી હતી. પકડાયેલા આરોપીઓમાંથી એક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.SS1MS