અંકલેશ્વરમાં શંકાસ્પદ 2630 કિલો ભંગાર સાથે બે આરોપી ઝડપાયા
અંકલેશ્વર, અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે અંસાર માર્કેટ સર્વિસ રોડ પરથી શંકાસ્પદ ભંગારનો ૨૬૩૦ કિલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સુરતના પીપલોદથી શંકાસ્પદ ભંગાર લઇ વેચાણ કરવા પીકઅપ ગાડી લઇ ૨ ઇસમો આવી રહ્યા હોવાની માહિતી હતી.
ભંગાર અંગે જરૂરી આધાર-પૂરાવા રજૂ ન કરી શકતા ૧૨ હજાર ઉપરાંતનો ભંગારનો જથ્થો મળી ૩.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૨ ઇસમની અટકાયત કરી હતી.
અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસની ટીમ નેશનલ હાઈવે નંબર-૪૮ પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માહિતી મળી હતી કે, સુરત તરફથી એક પીકઅપ ગાડીમાં શંકાસ્પદ ભંગારનો જથ્થો અંસાર માર્કેટમાં વેચાણ માટે આવી રહ્યો છે જે આધારે પોલીસે અંસાર માર્કેટના સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી.
જ્યાં માહિતી આધારેની પીકઅપ બોલેરો ગાડી આવતા પોલીસે તેને રોકી હતી. ગાડીની તલાસી લેતા અંદર લોખંડનો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે પીપલોદ સુરત ઉમેશ બજરંગ પાંડે અને ફુલચંદ ક્લોજીયા પાસે જરૂરી આધાર-પૂરાવા કે જીએસટી બિલ માંગતા બંને ઇસમો ગલ્લા-તલ્લા કરવા લાગ્યા હતા
અને સંતોષકારક જવાબ ના આપતા પોલીસે ભંગારનો જથ્થો ચોરી અથવા છળકપટથી મેળવ્યો હોવાની આશંકાએ પોલીસે ૨૬૩૦ કિલો ગ્રામ ભંગારનો જથ્થો તેમજ ૩ લાખ રૂપિયાની પીકઅપ બોલેરો ગાડી મળી ૩.૧૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યાે હતો તેમજ બંને ઈસમની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.