Accident news:વડોદરામાં માર્ગ અકસ્માતમાં બાઈકસવાર 2 સગા ભાઇઓનાં મોત
વડોદરા, વડોદરા શહેરમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં બાઇક પર જતા બે સગા ભાઇઓના મોત નીપજ્યા છે. જ્યારે પિતરાઇ ભાઇ ઇજાગ્રસ્ત છે.
જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દુમાડ ગામમાં રહેતા ત્રણ ભાઇઓ સોમવાર સાંજે ઘરેથી બાઇક લઇને છાણી ગામે વાળ કપાવવા માટે જતા હતા. આ દરમિયાન એક આયશર ટેમ્પો નીચે ચગદાઇ ગયા હતા. આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરા પાસે આવેલા દુમાડ ગામમાં રહેતા બે ભાઇઓ ૧૪ વર્ષનો ગિરીરાજ સિંહ રંગીતસિંહ વાઘેલા, ૧૬ વર્ષનો મેઘરાજ તથા તેઓનો પિતરાઇ ભાઇ ધર્મેશ ઉર્ફ ધમો સોમવારે સાંજે ઘરેથી બાઇક લઇને છાણી ગામમાં વાળ કપાવવા માટે જતા હતા.
આ દરમિયાન સાંજે પાંચ વાગ્યાની આસપાસ દુમાડ ચોકડી ક્રિષ્ણા કાઠિયાવાડી હોટલ પાસે એક આયશર ટેમ્પાની નીચે ચગદાઇ ગયા હતા. બંને સગા ભાઇઓને ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. તો સાથે રહેલા પિતરાઇ ભાઇ ધર્મેશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
આ ગોઝારા અક્સમાત અંગે છાણીના પીએસઆઈ એચ.કે. પરમારે જણાવ્યુ કે, અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોએ ચક્કાજામ કર્યો હતો. સ્થાનિક લોકોમાં આક્રોશ જાેવા મળ્યો હતો. આ અકસ્માતમાં બાઇક કોણ ચલાવી રહ્યુ હતુ તે અંગેની પણ તપાસ કરવામાં આવશે.
કન્ટેનચ ચાલક અને આઇસર ચાલક પણ ત્યાં જ હતા. આ દુર્ઘટનામાં લોકોએ ચક્કાજામ કરીને રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ મૃતદેહો પણ ઘટનાસ્થળેથી લઇ પણ જવા દેતા ન હતા. જેના કારણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઉચ્ચ અધિકારીઓના સમજાવ્યા બાદ ગ્રામજનો શાંત થયા હતા અને મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા હતા. જે બાદ મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યા હતા.SS1MS