મંડળી ખોલીને બે સગા ભાઇ લોકોના લાખો રૂપિયા ચાંઉ કરી રફુચક્કર

અમદાવાદ, લાલચ બુરી બલા હૈ કહેવતને બંધ બેસતો કિસ્સો અમદાવાદ ગ્રામ્યના ધોળકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. બે સગા ભાઇએ મંડળી ખોલીને અનેક લોકો પાસે રોકાણ કરાવીને વ્યાજ આપવાની લાલચ આપી હતી. જેમાં આંગણવાડી વર્કર મહિલાએ તો તેના અને માતાના નામે ૩૧ લાખની ફિક્સ ડિપોઝિટ કરી હતી. અન્ય લોકોએ ડેઇલી બચત ડાયરી સ્કીમમાં નાણાં રોક્યા હતા.
પરંતુ આરોપીઓ તમામ લોકોના લાખો રૂપિયા ચાંઉ કરી ફરાર થઇ જતા ધોળકા પોલીસે ગુનો નોધ્યો છે.ધોળકામાં રહેતા હંસાબેન ઝાલા આંગણવાડી વર્કર તરીકે કામ કરે છે.
ધોળકામાં ભાવેશ મકવાણા અને હિતેશ મકવાણા નામના બે સગા ભાઇએ સાંઇનમન મિત્ર મંડળ તરીકે મંડળી શરૂ કરી હતી. બંને ભાઇએ લોકોના ઘરે જઇને ફાઇનાન્સ સ્કીમ ચલાવતા હોવાની લાલચ આપીને રોકાણ કરવા આગ્રહ કરતા હતા.
બંને આરોપી ગામના જ હોવાથી અનેક લોકોએ તેમના ત્યાં રોકાણ પણ કર્યુ હતું. લોકોને એમ હતું કે રોકાણ કરવાથી મૂડી અને વ્યાજ બંને મળશે, પરંતુ બંને ભાઇ તો ઓફિસ બંધ કરીને ભાગી ગયા હતા. આરોપીઓએ એક વર્ષનું વ્યાજ ૧૮ ટકા અને છ વર્ષમાં ડબલ થઇ જશે તેવી પણ સ્કીમ આપી હતી. કોઇ વ્યક્તિ રસ ન દાખવે ત્યારે આરોપીઓ અમદાવાદમાં પ્રોપર્ટી હોવાનું કહીને રોકાણ માટે દબાણ કરતા હતા.
હંસાબેને તેમના અને તેમની માતાના નામે ટુકડે ટુકડે ૩૧ લાખની એફડી કરી હતી. આરોપીઓએ બે ત્રણ વખત ૩૬-૩૬ હજાર વ્યાજ આપ્યુ હતું. પરંતુ બાદમાં મૂડી કે વ્યાજ સહિતની રકમ આપી નહોતી. હંસાબેને આરોપીઓ પાસે રકમ માગી ત્યારે બંને ભાઇઓએ ફેમિલી પ્રોબ્લેમનું બહાનું બતાવ્યું હતું. બાદમાં ઓફિસ અને ફોન બંધ કરીને રફુચક્કર થઇ ગયા હતા.
જેથી આ મામલે ધોળકા ટાઉન પોલીસે આરોપી ભાવેશ મકવાણા અને હિતેશ મકવાણા નામના સગા ભાઇઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જે લોકો લાંબા સમયના રોકાણમાં રસ ન દાખવે તેમને આ આરોપીઓ ડેઇલી બચતની સ્કીમ પણ આપતા હતા.
જે સ્કીમમાં પણ અનેક લોકોએ નાણાં ભર્યા હતા. પરંતુ તેમને પણ મૂડી કે વ્યાજ સહિતની એક પણ રકમ મળી નથી. આવા અનેક ભોગ બનનાર સામે આવે તેવી શક્યતા છે.SS1MS